દેશના વડાપ્રધાનને 'મુજરા' જેવી ટિપ્પણી શોભતી નથી : પ્રિયન્કા વાદ્રા લોકસભા ચૂટંણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો છે.
બિહારના પાટલિપુત્ર, કારાકાટ અને બક્સર સંસદીય ક્ષેત્રમાં અલગ અલગ રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમ વોટ બેન્ક માટે ગુલામી અને મુજરા કરી રહી છે. આ સાથે તેમણે વિપક્ષ પર વડાપ્રધાનની ખુરશી માટે મ્યુઝિકલ ચેર રમતા પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવવાની યોજનાનો આક્ષેપ કર્યો હતો.ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, લઘુમતી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને અનામતથી વંચિત કરવા માટે કોંગ્રેસ, રાજદ અને સપા જેવા પક્ષો જવાબદાર છે. પોતાની વોટ બેન્કને ખુશ કરવા માટે કોંગ્રેસે રાતોરાત લઘુમતી સંસ્થાઓ સાથે સંકળાયેલો કાયદો બદલી નાંખ્યો હતો. તેમણે ઉમેર્યું કે, હું આ પ્રદેશની ભૂમિ પર એ જાહેરાત કરવા માગું છું કે હું એસસી, એસટી અને ઓબીસીના અધિકારોને લૂંટવા અને તેને મુસ્લિમોને આપવાની ઈન્ડિયા ગઠબંધનની યોજનાને નિષ્ફળ કરી દઈશ. તેઓ ગુલામ બની રહી શકે છે અને તેમની વોટ બેન્કને ખુશ કરવા માટે મુજરો કરી શકે છે.
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, પરિવારના વડાએ ક્યારેય આંખોની શરમ ગુમાવવી જોઈએ નહીં. દેશના વડાપ્રધાનને 'મુજરા' જેવી ટિપ્પણી શોભતી નથી. તેમને થોડી શરમ આવવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એક વખત કહ્યું કે ભાજપ સત્તા પર આવશે તો પીએમ મોદી બંધારણ બદલી નાંખશે જ્યારે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ચીને દેશની જમીન હડપી લીધી છે ત્યારે પીએમના ચૂપ રહેવા સામે સવાલ ઉઠાવ્યા હતા. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાજલ નિષાદ અને બાંસગાંવ સંસદીય ક્ષેત્રના ઉમેદવાર સદલ પ્રસાદના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદીજીએ બિહારમાં ભાષણ આપ્યું અને વિપક્ષના નેતાઓને એવા એવા શબ્દો કહ્યા, જે દેશના ઈતિહાસમાં કોઈપણ વડાપ્રધાન બોલ્યા નહીં હોય.
Reporter: News Plus