હવામાન વિભાગ દ્વારા વડોદર જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે.
કલેકટર બીજલ શાહની સૂચના મુજબ તમામ અધિકારીઓ અને તલાટીઓ મુખ્ય મથક પર હાજર રહી વરસાદની પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લઈ રહ્યા છે.આજે બપોરે ૧૨ કલાક સુધી વડોદરામાં ૪.૫ ઈંચ,પાદરામાં ૩.૭૫ ઈંચ,સાવલીમાં ૩ ઈંચ અને ડેસરમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે.સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા સાથે નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૨૬ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
Reporter: admin