લોકસભા ચૂંટણી બાદ હવે ભાજપ સંગઠનના હોદ્દેદારોનો આંતરિક પણ રોષ સોશિયલ મીડિયામાં બહાર આવી રહ્યો છે. ભાજપમાં જ અસંતુષ્ટોની સંખ્યા વધવા તરફ જઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
વડોદરાના યુવા મોરચાના કારોબારી સભ્ય દ્વારા તાજેતરમાં સોશિય મીડિયા પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર્તા ઉભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે છે. જેના કોમેન્ટ બોક્સમાં પણ લોકો સરાહના કરી રહ્યા છે. જો કે બાદમાં પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ તેના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે.
ભાજપના યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય આકાશ પટેલ જણાવે છે કે, ગુજરાત ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે. કોંગ્રેસના લોકો પહેલા ભાજપ વિરોધી વિચારધારા ધરાવતા હતા. હવે તેઓ ભાજપના થઇ ગયા છે. જે લોકો જોડાઇ રહ્યા છે, તેની પાછળ કોઇને કોઇ લાલચ સમાયેલી છે. આપણે કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો આપણે કરી રહ્યા છીએ. કોંગ્રેસ મુક્ત ભારત કરવાની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ થઇ રહ્યું છે. મારૂ ભાજપમાં જોડાવવાનું કારણ જ વિચારધારા હતી. પરંતુ હવે તેનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે તે દુખદ છે.
વધુમાં તે જણાવે છે કે, જુના કાર્યકર્તાઓની કિંમત વધવાની જગ્યાએ ઘટી રહી છે. હું નહિ અસંખ્ય કાર્યકર્તાઓના દિલમાં રોષ છપાયેલો છે. સ્થાનિક કક્ષાએ સંગઠન ગણ્યા-ગાંઠ્યા લોકોને જ લઇને ચાલી રહ્યા છે. આગામી નવા સંગઠનમાં કાર્યકર્તા, કોર્પોરેટર અને ધારાસભ્યોના માન-સન્માન જાળવે તેવી ખાસ માંગ છે.
વધુમાં તે ઉમેરે છે કે, ચૂંટણી સમયે સિનિયર આગેવાનોએ જાહેરમાં ટકોર કરવી પડી હતી. તે લોકોનું માન-સન્માન નથી જળવાતું. કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરે છે, એટલે નેતા ચૂંટાઇને આવે છે. વડોદરા ભાજપના કાર્યાલયને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. તે અટકવું જોઇએ. કોઇ પણ કાર્યનું પરિણામ સંગઠનને સમર્પિત હોવું જોઇએ, વ્યક્તિગત નહિ. ગણતરીના લોકો નિર્ણયો લે તે યોગ્ય નથી. લોકોને મેરીટના આધારે સંગઠનમાં હોદ્દો મળવો જોઇએ. નારી સશક્તિ કરણના નામે રંજનબેન ભટ્ટ સામે વિરોધ સમયે જે થયું તે પણ યોગ્ય ન હતું.
Reporter: News Plus