વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત ક્ષેત્રમાં રસ અને રુચિ વધે, તેમનામાં સાહસિકતા અને લીડરશીપ જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી ગ્રીષ્મોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન આજ રોજ મધ્યવર્તી શાળા ખાતે કરવામાં આવ્યું હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મીનેશ પંડ્યા, માન. પૂર્વ ઉપાધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી, શિક્ષણ સમિતિના માન. સભ્યઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરુઆત પહેલા રાજકોટમાં બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ત્રણ દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામ ના શિક્ષકો દ્વારા રમત ગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે. આ વિદ્યાર્થીઓને ખોખો, કબડ્ડી, જુડો, કુસ્તી, ચેસ, કેરમ, લંગડી, સતોડિયું અને દોડ વિશે માર્ગદર્શન અપાશે અને રમાડવામાં પણ આવશે. ભારત 2036માં ઓલમ્પિક યોજવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રશિક્ષિત કરવા આ પ્રયાસ છે. કોઈ વિદ્યાર્થીમાં રમતની રુચિ હોય અને તે આવા પ્રયાસ દ્વારા ખીલી ઉઠે તો આગળ વધી શકે. સમિતિના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પણ જઈને વિજય બન્યા છે. ગયા વર્ષે એપ્રિલમાં પાંચ દિવસનો સમર કેમ્પ યોજાયો હતો. આ વખતે મધ્યવર્તી શાળા તથા શ્રી ડોંગરે મહારાજ શાળા ખાતે આ કેમ્પ યોજાઇ રહ્યો છે.
આ પ્રસંગે ચેરમેન મીનેશ પંડ્યા એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રમતગમતથી સાહસિકતા અને ખેલદિલી નાં ગુણ નો વિકાસ થાય છે.
જ્યારે ડૉ. હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ આવતીકાલે વિશ્વમાં રમતગમત ક્ષેત્રે ભારતનું નામ ઉજ્જવળ કરશે.
Reporter: News Plus