News Portal...

Breaking News :

ગુજરાત સરકાર : ભ્રષ્ટાચાર નિર્મૂલન હેતુ મક્કમતાથી અગ્રેસર ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા તાજેતરમાં અસરકારક પગલાઓ લેવામાં આવી રહેલ છે

2024-06-08 18:39:05
ગુજરાત સરકાર : ભ્રષ્ટાચાર નિર્મૂલન હેતુ મક્કમતાથી અગ્રેસર ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા તાજેતરમાં અસરકારક પગલાઓ લેવામાં આવી રહેલ છે


• ‘CARE’ પ્રોગ્રામ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરીયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારુ સરકારશ્રી તરફથી મળેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામકશ્રી દ્વારા બ્યુરો ખાતે ‘CARE’ (Caring of Applicant & Responding Effectively) પ્રોગ્રામ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોનાં દરેક અધિકારી/કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરીયાદીને રૂબરૂમાં તેઓના નિવાસસ્થાને કે કામકાજ સ્થળે જઈ સંપર્ક કરશે અને ફરીયાદી બન્યા પછી તેઓને કોઈ મુશ્કેલી કે કનડગત થતી હોય તો તે જાણી, તેના યોગ્ય અને સુખદ નિવારણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ‘CARE’ પ્રોગ્રામના અમલીકરણથી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં ફરીયાદ કર્યા બાદ જાગૃત નાગરિકને કનડગત ન થાય તેની તકેદારી એ.સી.બી. ગુજરાત તરફથી રાખવામાં આવી રહેલ છે. આ પ્રોગ્રામ થકી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં સહભાગી બનવા માંગતા તમામ નાગરિકોમાં પોતાનો આત્મવિશ્વાસ વધશે અને તે થકી બ્યુરો પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરવાનો રહેલો છે. જો કોઈ સરકારી અધિકારી/કર્મચારી એ.સી.બી.નાં ફરીયાદી સાથે યોગ્ય વર્તન ન કરતા હોય તો તેઓનાં વિભાગ કક્ષાએ અવગત કરાતા સરકારશ્રી કક્ષાએથી યોગ્ય પગલા લેવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ-૯૦૦ થી વધુ ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવેલ છે. આ કારણથી ફરીયાદીઓ તથા નાગરિકોમાં બ્યુરો પ્રત્યેનો વિશ્વાસ વધવા પામેલ છે જેના કારણે નાગરિકો તરફથી ભ્રષ્ટાચાર વિરુધ્ધ મળતી ફરીયાદોમાં પણ વધારો થયેલ છે. વધુમાં, CARE પ્રોગ્રામમાં ડિઝિટલાઈઝેશન સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જેથી સંગ્રહિત માહિતીનો ઝડપી અને સુચારુરૂપથી ઉપયોગ થઈ શકે.



• કન્વીક્શન રેટ :
આરોપીઓને સજા થાય તથા કન્વીકશન રેટ સુધરે તે હેતુથી એકમ દીઠ મદદનીશ નિયામકશ્રીના અધ્યક્ષતામાં ‘ Conviction Rate Improvement Committee ‘ ની રચના કરવામાં આવી છે, જે આ વિષયો હાથ ધરી રહેલ છે. એ.સી.બી. ના કેસ નોંધાયા બાદ અદાલતમાં ચાલવા પર આવે ત્યારે આરોપીને સજા થાય અને કન્વીક્શન રેટ ઉંચો આવે તે માટે સરકારશ્રી તરફથી મળેલ માર્ગદર્શન આધારે દરેક જિલ્લા/પોલીસ સ્ટેશન કક્ષાએ દર માસે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવે છે. જેમા ગુનાના રેડીંગ પાર્ટીના અધિકારી, તપાસ અધિકારી, સરકારી વકીલશ્રી અને સંબંધિત એકમના મદદનીશ નિયામકશ્રી તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી સાથે મળી ચાલુ માસમાં અદાલતમાં ચાલી રહેલ કેસોના પુરાવાકીય અને કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરી અદાલતમાં સરકારપક્ષે સચોટ રજૂઆત થાય તે માટે સઘન આયોજન કરે છે. આમ, કન્વીક્શન રેટ વધારવા પર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસીકમાં કન્વીક્શન રેટ ૪૬% નો રહેલ છે. મોરબી સેશન્સ અદાલત ખાતે એક જ દિવસે એ.સી.બી.ના જુદા જુદા ત્રણ કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવી જેલની સજા અને રોકડ દંડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા તમામ પ્રકારના કેસોનું એડીશનલ ડાયરેકટરશ્રીની અધ્યક્ષતામાં રચવામાં આવેલ Core Committee દ્વારા સઘન મોનીટરીગ કરવામાં આવે છે.
બ્યુરોમાં વિષય નિષ્ણાંત અને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ :
લાંચ કેસ તેમજ અપ્રમાણસર મિલકતનાં કેસોમાં ઠોસ તપાસ થાય તેમજ વધુને વધુ સારી રીતે પુરાવાઓ એકત્રીત કરી શકાય તે માટે સરકારશ્રી તરફથી જુદા જુદા વિષયના નિષ્ણાતોની સેવાઓ પુરી પાડવામા આવી રહેલ છે. આ માટે લીગલ, ફોરેન્સીક, ટેકનીકલ, રેવન્યુ અને ફાયનાન્સીયલ એડવાઈઝરની નિમણૂંક કરવામા આવેલ છે. બ્યુરોને વધુ આધુનિક બનાવવા માટે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય તે સારુ સરકારશ્રી તરફથી બ્યુરોની માંગણી મુજબનો તમામ ટેકનીકલ સપોર્ટ પુરો પાડવામાં આવેલ છે. જેના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં સ્પાય કેમેરા, વોઈસ રેકોર્ડર તેમજ ગુપ્તતા જળવાય રહે તે મુજબના અન્ય અધ્યતન સાધનો પુરા પાડવામાં આવેલ છે. આ ઉપરાંત લોજિસ્ટીક સપોર્ટ માટે કોમ્પ્યુટર તેમજ રેઈડ કાર્યવાહી માટે રેડીંગ પાર્ટીની ઓળખ ન થઈ શકે તે પ્રકારનાં વાહનો પુરા પાડવામાં આવેલ છે.



• જાગૃકતા અભિયાન :
લાંચ વિરોધી મહાઅભિયાનમાં વધુમાં વધુ પ્રજાજનોને જોડવા માટે રાજ્યસ્તરે નિરંતર જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં એ.સી.બી. ટોલ ફ્રી નંબર – ૧૦૬૪ તથા વોટસ અપ નંબર – ૯૦૯૯૯૧૧૦૫૫ ની જાહેરાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ ક્ષેત્રે પંચાયત, સહકારી દૂધ ડેરી તેમજ સહકારી ખેતી મંડળીઓમાં ટોલ ફ્રી નંબરના પોસ્ટર-સ્ટીકર લગાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડાની મુલાકાત લેતા પ્રજાજનોને એ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓ સ્ટોલ લગાવી જાગરુકતા ફેલાવા તેમજ વિશ્વાસ સંપાદિત કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત સોશીયલ મિડીયા પ્લેટફોર્મમાં ટવીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વિગેરેના માધ્યમથી બ્યુરોનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.
• પ્રસંશનીય કામગીરી :
ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ- ૧૩ જેટલા સફળ કેસો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ-૧૦૪ લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી શોધી કાઢી, હાલ સુધીમાં કુલ- ૧૦ કેસો દાખલ કરી કુલ- રૂ.૨૫,૦૪,૭૦,૨૭૮/- ની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવેલ છે. આમ, સરકારશ્રીનાં માર્ગદર્શન અને પૂરતા સહકારથી બ્યુરો દ્વારા હાલમાં ભ્રષ્ટાચારીઓ વિરુધ્ધ મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે.

Reporter: News Plus

Related Post