આણંદ : ખંભાતના ચગડોળ ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોકમેળામાં બ્રેક ડાન્સની રાઇડ્સમાં બેઠેલી યુવતીને અચાનક લોહીની ઉલટી થયા બાદ મોત થયું હતું.
મેળો માણવા આવેલા અન્ય એક વ્યક્તિનું પણ હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું હોવાના અહેવાલ સાંપળ્યા છે. ત્યારે મંજૂરી વગર ૧૦ દિવસથી ચાલી રહેલા મેળાને અંતે પોલીસે બંધ કરાવ્યો હતો.ખંભાતના ચગડોળ ગ્રાઉન્ડ ખાતે લોક મેળો યોજવા માટે પાલિકા દ્વારા હરાજી કરવામાં આવી હતી. જોકે અનેક વિવાદોને લઈ હરાજી રદ થઈ હતી અને અંતે શરતોને આધીન ઠરાવ કરી લોકમેળો યોજવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં બેઠેલી ખંભાત તાલુકાના ખટનાલ ગામની ભારતીબેન પટેલને અચાનક લોહીની ઉલટી થયા બાદ મોત થયું હતું. આ અંગે ખંભાત પોલીસે અપ મૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક વ્યક્તિનું પણ રાઇડ્સમાં બેસવા દરમિયાન હાર્ટએટેકથી મોત થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે, આ અંગે પરિવારજનોની સંમતિ ન હોવાથી પોલીસ દ્વારા કોઈ નોંધ નોંધવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા દસ દિવસથી મંજૂરી વિના જ લોકમેળો યોજાઇ રહ્યો હતો. જેમાં ઈજારેદાર દ્વારા મેળામાં લારીઓવાળા પાસેથી નાણા પડાવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો ગણગણાટ પણ વ્યાપ્યો હતો. મેળામાં મોત થયા બાદ અંતે મંજૂરી વગર ૧૦ દિવસથી ધમધમતા મેળાને પોલીસે બંધ કરાવ્યો છે.
Reporter: admin