વડોદરા : શહેરમાં પૂરને કારણે તારાજી સર્જાઈ છે. જેના કારણે સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે, તો બીજી તરફ ગરબા આયોજકોએ માનવતા નેવે મૂકીને પાસના નામે ઉઘાડી લૂંટ ચલાવવાની પ્રથા કાયમ રાખી છે.
પાલિકા દ્વારા ગરબા આયોજકોને એક રૂપિયાના ટોકન પર મોટા મોટા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવી રહ્યા છે. જેમાંથી ગરબા આયોજકો મોટી તગડી કમાણી કરી રહ્યા છે.વડોદરા શહેરના ગરબા દેશ વિદેશમાં વખણાય છે. અહીંના ગરબામાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી છલકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા રસિકોમાં નવરાત્રિને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં પૂરની પરિસ્થિતિમાંથી પસાર થયેલા ખેલૈયાઓને આ વર્ષે ગરબાની મોજ મોંઘી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બેફામ બનેલા ગરબા આયોજકો એટલે કે ઉદ્યોગપતિઓ સામે મોરચો માંડવામાં આવ્યો છે.
કોંગ્રેસે કલેક્ટર, GST વિભાગ, ચેરિટી કમિશનર, મ્યુ. કમિશનર, પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી અને કહ્યું છે કે આ વર્ષે પૂરને કારણે ખેલૈયાઓ ગરબાના પાસ માટે તગડી રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે ખાસ કરીને મહિલાઓને મફતમાં ગરબા રમવા દેવામાં આવે. વધુમાં કોંગ્રેસે કહ્યું છે કે મોટા ગરબા આયોજકો દર વર્ષે મોટો નફો કમાય છે. જો આ વર્ષે ખેલૈયાઓને મફત પ્રવેશ આપશે તો એમને કોઈ મોટું નુકસાન થવાનું નથી. જે ગરબા આયોજનોએ પાસના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરી લીધી છે જો તેમનામાં માનવતા હોય તો તેઓ માણસાઈ દાખવી પાસના પૈસા ખેલૈયાઓને પરત આપે. કોંગ્રેસે વડોદરા પાલિકા સામે આંગળી ચીંધીને પાલિકાના સત્તાધીશો ગરબા આયોજકોને પૈસા કમાવવા માટેનું મોકળું મેદાન માત્ર એક રૂપિયામાં પધરાવી દેતા હોવાનો આક્ષેપ કરી રહી છે.
Reporter: admin