સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ
સમગ્ર દેશ સાથે વડોદરા સંસદીય બેઠક માટે આગામી તા. ૪ જૂનના રોજ અહીંના ફતેગંજ વિસ્તારમાં આવેલી પોલીટેકનિક ખાતે મત ગણતરી થવાની છે. તે પૂર્વે નવી કલેક્ટર કચેરીમાં તેની વ્યવસ્થા સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મત ગણતરી પ્રકીયાના સુગ્રથિત અને સુગમ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ દ્વારા ૨૭ કમિટીની રચના કરવામાં આવી છે.
આ કમિટિના સભ્યો સાથે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ એક મહત્વપૂર્ણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મતગણનામાં જોડાનારા સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશન વહેલી સવારે કરવામાં આવશે. એ બાદ ક્યાં કર્મયોગીને કઇ વિધાનસભા મત વિસ્તારમાં જવાનું છે ? ખ્યાલ આવશે. વિધાનસભાનો વિસ્તાર ફાળવાયા બાદ જરૂર પડે તો ગણતરીદારોને ટૂંકી તાલીમ આપવામાં આવશે. જેથી ગણતરીની સમગ્ર પ્રક્રીયા સુગમતાથી ચાલી શકે.
ડો. પ્રજાપતિએ જણાવ્યું કે, સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. એ પૂર્વે ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં નિયમાનુસાર પ્રક્રીયા મુજબ ઇવીએમના સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. પોસ્ટલ બેલેટ અને ઇવીએમના મતોની એક સાથે ગણના કરવામાં આવશે.
પોલીટેકનિક ખાતે કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા બાબતે તેમણે વિગતો આપતા કહ્યું કે, વાઘોડિયા વિધાન સભા પેટા ચૂંટણી તથા લોકસભા, વડોદરા શહેર અને સાવલીની બીજા માળે, સયાજીગંજ, અકોટા અને રાવપૂરાની પ્રથમ માળે, ભોંય તળિયે માંજલપુરની ગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ માટે એજન્ટ અને સ્ટાફ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
મતગણતરી કેન્દ્ર ખાતે પાણી, મેડિકલ, આપત્તિ વ્યવસ્થાપન, પાર્કિંગ અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઉક્ત સમિતિમાં કાયદો અને વ્યવસ્થા, જાહેરનામા અને મંજૂરી, પાર્કિંગ, આંકડાકીય સંકલન, માઇક્રો ઓબ્ઝર્વર સંકલન, પોસ્ટલ બેલેટ, ઇટીબીપીએસ, એન્કોર, ટેકનિકલ જેવી સમિતિઓનો સમાવેશ થાય છે. આ સમિતિના સભ્યોને પણ ડો. પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક, નાયબ કલેક્ટર શ્રી આર. બી. પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus