વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આજે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કુલના સંકુલમાં સ્કુલના બાળકોની સલામતી અન્વયે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 156 સ્કુલોના સંચાલકો, સ્કુલ બસ ઓપરેટર્સ તથા આરટીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાળકોની સલામતી માટે સ્કુલ વેન, રીક્ષા અને બસના સંચાલકો દ્વારા કેટલીક સાવચેતી જાળવવા અંગેની ચર્ચા થઈ હતી. જેમાં સ્કુલ વર્ધીના વાહનોને વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદામાં રાખવાનું સૂચન કરાયુ હતુ.
સરકાર દ્વારા નિયત કરાયેલી સંખ્યા કરતા વધારે વિદ્યાર્થીઓને નહીં બેસાડવાની સૂચના અપાઈ હતી. જે ઓટોરીક્ષા કે, વેનમાં એલપીજી કે, સીએનજી કિટ લગાવવામાં આવી હોય એનુ અલ્ટરેશન પ્રક્રિયા બાદ ફીટ થઈ છે કે કેમ તેને સુનિશ્ચિત કરવાનું સૂચન અપાયુ હતુ. પ્રત્યેક સ્કુલ વેનને આરટીઓમાં ટેક્ષી પાસિંગ કરાવવાની તથા વાહનોનોવીમો, ટેક્સ , પરમિટ, પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટ જોડે રાખવાનો અનુરોધ કરાયો હતો. દરેક વાહનની આગળ પાછળ સ્કુલ વેન લખવુ ફરજીયાત છે તેવી સમજ આપવામાં આવી હતી.
ડ્રાઈવર સીટની બાજુમાં બાળકોને નહીં બેસાડવાનું કહેવામાં આવ્યુ હતુ વાહનમાં અગ્નિશમનના સાધનો રાખવા પર જોર મુકવામાં આવ્યુ હતુ. સ્કુલ બેગો બહાર નહીં લટકાવવા જણાવાયુ હતુ. ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસોમાં આરટીઓ અને પોલીસના નિયમોનો ભંગ કરવા બદલ 603 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Reporter: News Plus