શહેરના રાવપુરા રોડ પર આવેલી ઉષાકિરણ બિલ્ડીંગમાં ફાયર એનઓસીના મામલે ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના સ્ટાફે આજે ઉષાકિરણ બિલ્ડીંગને નોટિસ આપી હતી.
ઉપરાંત, બિલ્ડીંગનું લાઈટનું કનેક્શન કાપી નાંખ્યુ હતુ. ફાયર બ્રિગેડના અધિકારીઓએ બિલ્ડીંગના રહેવાસીઓને જણાવ્યુ હતુ કે, તાત્કાલિક ધોરણે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડીને એની એનઓસી લેવામાં આવે. બીજી તરફ ઉષાકિરણ બિલ્ડીંગના એક રહેવાસીએ જણાવ્યુ હતુ કે, બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડી દેવામાં આવ્યા છે અને ફાયર સેફ્ટીના એનઓસી માટેની કાર્યવાહી કરી છે પણ હજીસુધી ફાયર બ્રિગેડ દ્વારા ઈન્સેપેક્શન કરવામાં આવ્યુ નથી એટલે એમની ફાયર એનઓસી મળતી નથી.રાજકોટમાં અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા વડોદરાના ફાયર બ્રિગેડે શહેરની લગભગ તમામ મોટીમોટી ઈમારતોને ફાયર સેફ્ટી સંદર્ભે નોટિસ ફટકારી છે. ઉપરાંત, ફાયર બ્રિગેડે કેટલીક ઈમારતોને સીલ પણ માર્યા છે. આવી જ એક કાર્યવાહી આજે ફાયર બ્રિગેડ દ્વારા ઉષાકિરણ બિલ્ડીંગમાં કરવામાં આવી હતી. વાત એવી હતી કે, ફાયર બ્રિગેડનો સ્ટાફ આજે ઉષાકિરણ બિલ્ડીંગ પહોંચ્યો હતો અને તેમણે નોટિસ બોર્ડ પર નોટિસ લગાડી હતી.
ઉપરાંત, ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નહીં હોવાને કારણે ઉષાકિરણ બિલ્ડીંગનું લાઈટનું કનેક્શન કાપી નાંખ્યુ હતુ. ફાયર બ્રિગેડની આવી કાર્યવાહીથી ઉષાકિરણના રહિશો દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે, ફાયર બ્રિગેડની એનઓસી મેળવવાની કામગીરી જારી છે. અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીના ખુટતા સાધનો લગાવાઈ ચુક્યા છે. અને એની એનઓસી માટે અરજી પણ કરી દેવાઈ છે. પણ હજી સુધી ફાયર બ્રિગેડમાંથી કોઈ ઈન્સ્પેક્શન માટે આવ્યુ નથી. એને લીધે એનઓસી પેન્ડીંગ રહે છે. બીજી તરફ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ મહિનામાં બીજી વખત નોટિસ આપવામાં આવી છે છતાંય ઉષાકિરણ બિલ્ડીંગના રહિશો કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી એટલે આજે નાછૂટકે એમનુ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યુ છે.
Reporter: News Plus