કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાની આર જી કાર મેડીકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની હાલ CBI પૂછપરછ કરી રહી છે. કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસમાં ઢાંકપિછોડો કરવાના આરોપમાં સંદિપ ઘોષ સામે ચાલુ થયેલી તપાસ હવે મોટા કૌભાંડ તરફ દોરી જઈ શકે છે.
એવામાં આ હોસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યો હતો કે, સંદિપ ઘોષ મૃદેહોના વેચાણ સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સોદાગર છે.એક અહેવાલ મુજબ આરજી કાર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ જણાવ્યું હતું કે સંદિપ ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સપ્લાયની હેરફેરમાં સામેલ હતો. અખ્તર અલીએ ગંભીર આરોપ લગાવ્યો હતો, સંદિપ ઘોષ બિનવારસી મૃતદેહોના વ્યવસાયમાં સામેલ હતો.અખ્તર અલીએ કહ્યું કે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. તે બાયોમેડિકલ વેસ્ટની હેરફેરમાં પણ સામેલ હતો. તે તેના સુરક્ષાકર્મીઓને બાયોમેડીકલ વેસ્ટ વેચાતો હતો, એ લોકો તેને બાંગ્લાદેશ મોકલતા હતા.
આવી વ્યક્તિને તાત્કાલિક કસ્ટડીમાં લેવી જોઈએ. તે સમાજ માટે ખતરનાક છે.અખ્તર અલી આરજી કાર હોસ્પિટલમાં 2023 સુધી પોસ્ટેડ હતા. તેમણે જણાવ્યું હતું કે તેણે રાજ્ય વિજીલન્સ આયોગ સમક્ષ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે રજૂઆત કરી હતી, અને તેઓ સંદિપ ઘોષ સામેની તપાસ સમિતિનો ભાગ પણ હતા. તેમણે કહ્યું હતું કે તપાસમાં સંદિપ ઘોષને દોષિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.અખ્તર અલીએ દાવો કર્યો હતો કે તેમણે રાજ્યના આરોગ્ય વિભાગને ડૉ. ઘોષ વિરુદ્ધ તપાસ અહેવાલ સુપરત કર્યો હતો પરંતુ તે જ દિવસે તેમને આરજી કાર હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સમિતિના અન્ય બે સભ્યોની પણ બદલી કરવામાં આવી હતી.
Reporter: admin