શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા સમયાંતરે ખોટી બાજુએ વાહન હંકારવા,દ્વિચક્રી વાહનો અને રિક્ષાઓ માં વધારે લોકોનો પ્રવાસ, સીટ બેલ્ટ બાંધવામાં આળશ જેવી વિવિધ બાબતો પકડવાની ઝુંબેશ ચાલે છે.
મોટેભાગે દંડના લખ્યાંકો પૂરા કરવાની આ ઝુંબેશ પૂરી થાય પછી સ્થિતિ જૈસે થે થઈ જાય છે.ચાર રસ્તા પર ટ્રાફિક એની રીતે ચાલ્યા કરે છે અને પોલીસ એની રીતે કામ કરતી રહે છે.આટઆટલા અભિયાનો છતાં લોકોમાં ટ્રાફિકના નિયમો પાળવાની શિસ્ત,દંડ નો ડર બેસતો નથી.લાલ બત્તી ચાલુ હોય તો પણ વાહન દોડાવી જવાનું અને સફેદ પટ્ટાની બહાર દોડ માટે સજ્જ ઘોડાની જેમ વાહન તૈયાર રાખવાનું સામાન્ય થઈ ગયું છે.સર્કલ ફરીને યુ ટર્ન લેવાનું ગમતું જ નથી. ફટ દઈને વાહન વાળી લેતા કોઈ ગભરાટ થતો નથી.અને હવે ટ્રાફિક પોલીસને સહાયક તરીકે ટ્રાફિક બ્રિગેડના જવાનો મળ્યા છે.ટ્રાફિક સંચાલન સિગ્નલ આધારિત થયું છે.પણ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન આદત બની ગઈ છે.
ચાર રસ્તે નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ અને બ્રિગેડ,બંને આંખ આડા કાન કરે છે.દેખવું નહિ અને દાઝવું નહીં નો અભિગમ કામ સહેલું કરી દે છે.વિકાસની સુવિધાઓ ની બાબતમાં વડોદરાના પૂર્વ વિસ્તારની હાલત આમે ય સાવકા દીકરા જેવી છે.પૂર્વ વિસ્તારનો વિકાસ બાપુની ગાડી જેવી ધીમી ગતિએ થાય છે.ઉમા ચાર રસ્તા પાસે સ્માર્ટ સિટી હેઠળ ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે.જો કે છેલ્લા ઘણા સમયથી આ સિગ્નલો ની દૃષ્ટિ ફરી ગઈ છે.આંખ આડા કાન નો ચેપ સિગ્નલો ને ય લાગ્યો છે.લબુક ઝબૂક લાઈટો બંધ છે.વાહન ચાલકોને મનમાની કર્યા વગર છૂટકો જ નથી.ટ્રાફિક ફોર્સ અને નિયમ ભંગ કરનારા વાહન ચાલકો ભાઈ ભાઈ એ સૂત્ર પોકારવાનું જ બાકી છે.નિયમ પાળે એ વાહન ચાલક અથડાય એવી સ્થિતિ છે.વડોદરાનો વિકાસ કેમ અટકી ગયો એવો સવાલ મુખ્યમંત્રી ને થાય છે.એનો જવાબ શોધવો અઘરો છે.
Reporter: News Plus