વડોદરા : મધુનગર પાસે કરોળિયા- ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નિકળી હતી. દરમિયાન અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, આ તકે બે પોલીસ મથકના પીઆઇ સ્થળ પર હાજર હોવાના કારણે તુરંત સ્થિતી સંભાળી હતી.
વડોદરામાં ગણોશોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગણેશજીની આગમન યાત્રા,ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે. તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશોત્સવને પગલે કમર કસી છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમન યાત્રા નિકળી છે. તેવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી હતી. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, વિસ્તારમાં ગણેશજીની આગમનયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, ગણેશજીની યાત્રી નિકળી હતી. અને વરસાદી વાતાવરણ હતું. અને ડીજે ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જતા, ડીજેની હાઇટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સુચન કરતા હોહા-દેકારો કરી મુક્યો હતો. જેથી ગણેશજીની મૂર્તિ વધારે પાછળ રહી ગઇ હોવાથી લોકોને લાગ્યું કે, પથ્થર મારો થયો છે. જેથી નાસભાગ મચી હતી. અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ મુકીને પડતા-પડતા ભાગ્યા છે. તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી.
Reporter: admin