વડોદરા : નવલખી મેદાન પાછળનો વિશ્વામિત્રીના કિનારા પાસેની 60 એકર ખુલ્લી જગ્યામાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેકટ ધીમી ગતિએ શરૂ થયો હતો તે બાદ તત્કાલીન કમિશનર પદે એચ.એસ. પટેલની નિયુક્તિ થઇ તેઓએ રાજમહેલની યુએલસીમાં ખુલ્લી થયેલી 60 એકર જમીન હાઉસિંગ માટે હતી પરંતુ આ જગ્યા પર ઘર બનાવવા યોગ્ય નથી તેમ કહી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી લઇ આ જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે વન ખાતાને જવાબદારી સોપવાનું નક્કી કરતા આ જમીન વન ખાતાને સોપવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ વન ખાતાએ ક્રોકોડાઇલ પાર્ક માટે ફેન્સિગ કરવા પાંચ કરોડની માતબર રકમ ફાળવી હતી અને ફેન્સિગનું કામ શરૂ થયું હતું.
કોર્પોરેશન દ્વારા આ કામગીરી અને રાજ્યના મહેસૂલ વિભાગ સુધી સમગ્ર મંજૂરી લેવામાં આવી હતી. દરમિયાનમાં ઓડિટ વિભાગ દ્વારા આ જમીન કોર્પોરેશન અને વન ખાતાને ફાળવી છે. તેના બદલામાં જમીન કિંમત લેવામાં આવી છે કે કેમ? તે અંગેનો ખુલાસો જિલ્લા કલેકટરને કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ ખુલાસો થયો નથી. હવે બે વિભાગ વચ્ચેના સંકલનના અભાવે ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે.
પૂર્વ સાંસદ અને હાલ વિધાનસભાના શાસક પક્ષનાં દંડક બાળુ શુક્લાએ પ્રોજેક્ટ હાથ ધરવાની જાહેરાત કરી અને પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.
Reporter: admin