સાઈબર ઠગોએ 7 દિવસ સુધી જાળમાં ફસાવીને ધીમે-ધીમે 2.81 કરોડ રૂપિયા ઠગી લીધા
લખનૌ : ઉત્તર પ્રદેશના પીજીઆઈ લખનૌ હોસ્પિટલના એક ડોક્ટર ભારતમાં ડિજિટલ અરેસ્ટ કે સાઈબર અરેસ્ટના સૌથી મોટાં ફ્રોડનો શિકાર બની ગયા છે.
મની લોન્ડ્રિંગ કેસનો ડર બતાવીને રુચિકા ટંડનને ડિજિટલ અરેસ્ટ ગણાવ્યા અને ઓનલાઈન કોર્ટ કેસ પણ ચાલ્યો. ડોક્ટર રુચિકા ટંડનને સાઈબર ઠગોએ 7 દિવસ સુધી જાળમાં ફસાવીને ધીમે-ધીમે 2.81 કરોડ રૂપિયા ઠગી લીધાં.
આ અઠવાડિયે એક રિપોર્ટ આવ્યો જેમાં જણાવાયું છે કે છેલ્લા ચાર મહિનામાં દેશમાં ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને સાઈબર ઠગોએ લોકોને 120 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.
ડિજિટલ એરેસ્ટ માં ફસાયેલાં ડોક્ટર ટંડને જણાવ્યું કે 'મને સવારે 8 વાગે એક ફોન આવ્યો અને જણાવ્યું કે મારા નંબર પર સાઈબર સેલમાં લોકોને હેરાન કરતાં મેસેજના ઘણા કેસ નોંધાયા છે પછી કોલ ટ્રાન્સફર કરી દેવાયો અને જણાવ્યું કે જેમને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, તે આઈપીએસ અધિકારી છે. ત્યારબાદ જણાવાયું કે મારા બેન્ક ખાતા પર મની લોન્ડ્રિંગનો કેસ છે અને મારી ધરપકડ કરવાનો આદેશ મુંબઈથી મળ્યો છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ છે તેથી આ વાતને ગુપ્ત રાખવાની છે, કોઈને જણાવવાની નથી. મારે હવે ડિજિટલ કસ્ટડીમાં રહેવું પડશે. તે બાદ આગામી છ-સાત દિવસ સુધી ઓનલાઈન કોર્ટમાં નકલી કેસ ચલાવ્યો. એક નવો ફોન ખરીદાયો અને તેની પર વીડિયો કોલની એપ ડાઉનલોડ કરાવી. વીડિયો પર તે મારી ઉપર નજર રાખતાં હતાં. ઠગોએ અલગ-અલગ બેન્ક ખાતાના નંબર આપ્યા અને કહ્યું કે આ ખાતામાં રૂપિયા મોકલો. તપાસમાં તમે નિર્દોષ નીકળ્યા તો તમામ રૂપિયા પાછા આવી જશે. સાત-આઠ દિવસ બાદ મે જાણકારી મેળવી અને પછી અમુક ન્યૂઝ રિપોર્ટ જોયા તો મને સમજાયું કે મારી સાથે છેતરપિંડી થઈ છે.
Reporter: admin