વડોદરા ખાતે કોઠી કચેરી સ્થિત જુની કલેકટર કચેરીના ધારાસભા હોલમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક સાંસદ ડૉ. હેમાંગ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં તેમણે કેન્દ્ર પુરસ્કૃત વિવિધ જનકલ્યાણની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.સાંસદ ડૉ. જોષીએ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભો સમાજના છેવાડાના માનવી સુધી વહેલી તકે પહોંચાડવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કામો સ્થાનિક ધારાસભ્યઓના સંકલનમાં રહીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.સાંસદએ વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, સાવલી અને વાઘોડિયા તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી, વીજળી અને રસ્તાઓની સમસ્યા હોય તેવા ગામોમાં સમયસર કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે વડોદરા જિલ્લામાં મનરેગા અને આઇ.સી.ડી.એસ. વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદના સમયે રેલવે અંડરપાસ પાસમાં પાણી ભરાઈ જતાં ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે જરૂરી કામગીરી હાથ ધરવા માટે જણાવ્યું હતું. વધુમાં વડોદરા જિલ્લાના તાલુકાઓમાં તળાવોમાં પડેલા ભંગાણને લઈને કામગીરી યોગ્ય સમયે થાય તે માટે ધ્યાન દોર્યું હતું.વડોદરા જિલ્લામાં રેશનકાર્ડ ના હોય તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર મળતી ન હતી. તેવા જિલ્લાના અગિયાર હજાર જેટલા વિદ્યાર્થીઓના નામ માત્ર દશ જ દિવસમાં રેશનકાર્ડમાં ઉમેરી દેવામાં આવ્યા તેની નોંધ લેવામાં આવી હતી.સાંસદએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કામોમાં ઓન પેપર અને ગ્રાઉન્ડ લેવલે સામ્યતા આવે તે ખુબજ જરૂરી છે તેમ ખુબજ ગંભીરતા પૂર્વક જણાવ્યું હતું. વધુમાં જિલ્લામાં તમામ વિભાગના કામો સંબંધિત વિસ્તારના ધારાસભ્યઓની મળતી રજૂઆતો અને ફરિયાતોને ધ્યાને લઇને તમામ કામગીરી હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ સાથે જિલ્લામાં નવી આંગણવાડીઓ મળતી ગ્રાન્ટ અનુસાર મંજૂરી આપવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્યઓની રજૂઆતના અનુસંધાનમાં સાંસદએ આ અંગે સરકારમાં જરૂરી દરખાસ્ત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. એમ.જી.વી.સી.એલ. ને આકસ્મિક સમયે જિલ્લા કક્ષાથી લઈને ગામના સરપંચ સુધીના તમામ જન પ્રતિનિધિઓની વીજ પુરવઠાને લગતી ફરિયાદોને તાત્કાલિક અસરથી જવાબ આપવા અને ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી.સાંસદએ વર્ષ ૨૦૨૪ના જૂન અંતિત કેન્દ્ર પુરસ્કૃત મનરેગા, દીન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ /શહેર) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ અને શહેર) પ્રધાનમંત્રી અર્બન યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓ, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, નેશનલ રૂરલ ડ્રીંકિંગ વોટર કાર્યક્રમ, એમજીવીસીએલ, નેશનલ હાઈવે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, અન્ન પુરવઠા વિભાગ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, સહિત સાંસદ આદર્શ ગામ યોજનાના કામોની નાણાંકીય અને ભોતિક પ્રગતિની યોજાનાર વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની જિલ્લામાં થયેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, ધારાસભ્યો સર્વ શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેતનભાઈ ઈનામદાર કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, વિવિધ સમિતિના ચેરમેન સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Reporter: admin