રાજપીપલા, શનિવાર : નર્મદા જિલ્લામાં આગામી તા.૩૦ અને ૩૧મી ઓક્ટોમ્બરના રોજ એક્તાનગર ખાતે નર્મદા ઘાટ ખાતે દિપોત્સવી પર્વ અને પૂજ્ય સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આરંભ કાર્યક્રમ, નર્મદા મહાઆરતી દિપોત્સવી પર્વ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત, બીજા દિવસે સરદાર સાહેબની પ્રતિમાની પદપૂજા અને રાષ્ટ્રીય એક્તા પરેડ-૨૦૨૪, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા જવાનોની પરેડ માર્ચપાસ્ટ યોજાનાર છે.
જિલ્લામાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન એક્તાનગરના આંગણે રાષ્ટ્રીય એક્તા પરેડની તડામાર તૈયારીઓ વિવિધ વિભાગો દ્વારા હાલમાં ચાલી રહી છે. યુધ્ધના ધોરણે રંગરોગાન, રોશની, હોર્ડીંગ્સ-બેનર, રસ્તાની બાજુમાં લગાવી દેવામાં આવ્યા છે. દિવાળી જેવો માહોલ અત્યારથી જ શરૂ થઇ ગયો છે. રોડ રસ્તા- સર્કલના બ્યુટીફિકેશન, કલાત્મક મૂર્તિઓ અને સુશોભનથી સજાવવામાં આવી રહ્યા છે. રોડ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા સફાઇ પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમ-આયોજનને આખરી ઓપ આપવા વિવિધ સમિતિના અધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.
Reporter: admin