વડસર ગામની પાછળ જીઈબી સબ-સ્ટેશન પાસે દેશી દારૂની ભઠ્ઠીઓનું શૂટિંગ કરવા ગયેલા કહેવાતા પત્રકારોની રીતસરની ધોલાઈ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ફરિયાદને આધારે પાંચ જણા
સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને તમામની શોધખોળ શરૂ કરી છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગરમાં રહેતા કથિત પત્રકાર ભરત સુભાષભાઈ શાહે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા કર્મચારી અલ્પેશ ડી શાહનો મને ફોન આવ્યો હતો અને એણે જણાવ્યુ હતુ કે,
વડસર ગામની પાછળ જીઈબીના સબસ્ટેશનની પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે અને અમે અહીંયા જ છીએ. એટલે મેં એને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી લેવા જણાવ્યુ હતુ. થોડી વારમાં હું ત્યાં પહોંચ્યો હતો પણ
પોલીસ આવી ન હતી.
એટલામાં ત્યાં સની નામનો યુવક એના ચાર માણસો સાથે ધસી આવ્યો હતો. એમની પાસે લાકડીઓ હતી. તમામ લોકો અમારી પાસે આવ્યા હતા અને અમારી ઉપર લાકડી વડે હુમલો કરી દીધો હતો. હું મોબાઈલ પર એમનુ શૂટિંગ ઉતારતો હતો. જે દરમિયાન લાકડી વાગતા મારો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. થોડી વારમાં જ પોલીસની ટીમ આવી પહોંચતા તમામ હુમલાખોરો ઝાડીઓમાં નાસી ગયા હતા. ઉપરોક્ત ફરિયાદને આધારે માંજલપુર
પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Reporter: News Plus