News Portal...

Breaking News :

શાકભાજીનું 1.70 કરોડ મેટ્રીક ટન ઉત્પાદન છતાં ભાવ વધારાનું કારણ વેપારીઓની ધૂમ નફાખોરી

2024-07-13 11:19:52
શાકભાજીનું 1.70 કરોડ મેટ્રીક ટન ઉત્પાદન છતાં ભાવ વધારાનું કારણ વેપારીઓની ધૂમ નફાખોરી


અમદાવાદ: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન 1.70 કરોડ મેટ્રીક ટન હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આ ભાવ વધારાનું કારણ વેપારીઓની ધૂમ નફાખોરી છે. ખેડૂતો પાસેથી સસ્તી શાકભાજી ખરીદી વેપારીઓ 400 ટકા સુધીનો નફો કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.


ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી હોવાનું કારણ આપી વેપારીઓ તગડો નફો કમાઈ રહ્યાં છે. આજે ગુજરાતમાં છૂટક બજારમાં મોટાભાગની શાકભાજીનો પ્રતિકિલોનો ભાવ 120થી 160 રૂપિયા છે, જે સામાન્ય રીતે 40થી 60 રૂપિયા જોવા મળે છે. રાજ્યના કૃષિ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતુ કે, ખેડૂતો મહેનત કરીને તૈયાર કરેલા શાકભાજી એપીએસી સુધી પહોંચાડે છે. પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતા હોતા નથી. તેમના જણાવ્યા પ્રમાણે મંડીબજારમાં શાકભાજી ઠલવાઈ ગયા પછી જ્યારે છૂટક વેપારીઓ પાસે આવે છે. ત્યારે તેમાં અલગ અલગ સ્ટેજના ભાવ ઉમેરાય છે, પરિણામે ગ્રાહકોને સસ્તું શાકભાજી મળતું નથી.વાવેતર અને ઉત્પાદના આંકડા આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં શાકભાજીનો વાવેતર વિસ્તાર 2022- 23ના આંકડા પ્રમાણે 8,32,639 હેક્ટર છે, અને ઉત્પાદન 1,67,18,904 મેટ્રિક ટન છે. 


પ્રોડક્ટિવિટી પણ હેક્ટરે 20.08 મેટ્રીક ટન આવે છે. અગાઉના વર્ષના આંકડા જોઈએ તો 8,33,000 હેક્ટરમાં વાવેતર હતું અને ઉત્પાદન 1,67,33,000 મેટ્રીક ટન જોવા મળ્યું હતું. તેમ છતાં શાકભાજીના ભાવ સ્થિર રહ્યાં હતા. આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન વધ્યું હોવા છતાં ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. માત્ર શાકભાજી જ નહીં, ફળપાકોમાં પણ ઉત્પાદન વધારે હોવા છતાં તે મોંઘા થઈ ગયા છે. રાજ્યમાં 2021-22માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 4,39,000 હેક્ટર હતો અને ઉત્પાદન 82,68,000 મેટ્રીક ટન થયું હતું. જ્યારે 2022-23ના વર્ષમાં વાવેતર વિસ્તાર 4,48,741 હેક્ટર હતો અને ઉત્પાદન 82,91,726  મેટ્રીક ટન થયું છે. ફળપાકોમાં પણ વેપારીઓ ખેડૂતોને છેતરીને તગડો નફો કમાઈ રહ્યાં છે. છતાં રાજ્ય સરકાર તરફથી મધ્યસ્થી કરીને ભાવમાં ઘટાડો કરવાના પગલાં લેવામાં આવતા નથી. વેપારીઓને પૂછતાં તેઓ હવામાન અને સિઝનનું બહાનું કાઢી જણાવે છે કે માર્કેટમાં શાકભાજી અને ફળોની અછત હોવાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ખેડૂત કહે છે કે અમે શાકભાજી અને ફળો મંડીમાં સમયસર પહોંચાડીએ છીએ છતાં અમને પોષણક્ષમ ભાવ મળતા નથી.

Reporter: News Plus

Related Post