નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલનો કડક શબ્દોમાં ઉધડો લેતા જણાવ્યું કહ્યું કે ઉપરાજ્યપાલે તેમની બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો.
તેમણે માની લીધું કે દિલ્હી સરકાર પાસે વૃક્ષ અધિકારીની સત્તા છે. આ દુઃખદ સ્થિતી છે કે જે કંઈ થઇ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને પહેલા જ બતાવી દેવાની જરૂર હતી કે ઉપરાજ્યપાલે નિર્દેશ જારી કર્યા છે. આ દરમિયાન સુપ્રીમ બેન્ચે ઉપરાજ્યપાલને તીખા સ્વરમાં સવાલ પૂછ્યો કે શું તમે પોતાની જાતને કોર્ટ માનો છો? કોર્ટે એવો પણ સવાલ કર્યો કે શું ડીડીએના અધિકારીઓએ તેમને જાણકારી આપી કે વૃક્ષો કાપવા માટે ટોચની કોર્ટથી મંજૂરી લેવી જરૂરી છે. જસ્ટિસ ઓકાએ કહ્યું કે મને લાગે છે કે ઉપરાજ્યપાલ પોતાની જાતને કોર્ટ માની રહ્યા છે.
જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે કોર્ટની મંજૂરી લીધા વગર વૃક્ષો કાપવાના ઉપરાજ્યપાલના પગલાં સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રોડ પહોળો કરવા માટેની યોજના માટે સંરક્ષિણ વન વિસ્તારમાં 1100 વૃક્ષોને કથિતરૂપે કાપી નાખવા મામલે ડીડીએના ઉપાધ્યક્ષ સામે સુઓ મોટો હાથ ધરી હતી અને અવગણનાની કાર્યવાહી મામલે સુનાવણી કરી હતી. ટોચની કોર્ટે આ મામલે ઉપરાજ્યપાલની સંડોવણીને છુપાવવાના પ્રયાસોની પણ આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સુનાવણીના પ્રથમ દિવસે જ અમને જણાવી દેવાની જરૂર હતી કે ઉપરાજ્યપાલે પહેલાથી જ વૃક્ષો કાપી નાખવા માટે નિર્દેશો જારી કરી દીધા હતા.
Reporter: News Plus