અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે મચ્છર અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે. જ્યારે વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024ના જૂલાઈના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસમાં 56 ટકા અને ચિકનગુનિયાના કેસોમાં 57.9 ટકા વધારો નોંધાયો છે.
ગોધરામાં ડેન્ગ્યૂના દર્દીનું મૃત્યુ થયુ છે. જેના પગલે મનપા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાના વહિવટી તંત્રને મચ્છર અને પાણી જન્ય રોગચાળાને રોકવા સુચવાયેલી માગદર્શિકા મુજબ એક્શન લેવા સુચના પણ આપવામાં આવી છે.આરોગ્ય વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આ સપ્તાહે ડેન્ગ્યૂના 936 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મનપામાં 242 હોવાનું જાણવા મળ્યુ છે. વડોદરામાં 155 કેસ મળ્યા છે. ગતવર્ષે આ સમય દરમિયાન 37,523 ટેસ્ટમાંથી 600 કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયુ હતુ.
ચાલુ વર્ષે 57,548ના ટેસ્ટમાંથી 936 કેસ મળ્યા છે. જે 56 ટકાનો ઉછાળો સુચવે છે. બદલાયેલા વાતાવરણમાં ચિકનગુનિયાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. ગતવર્ષ કરતા આ વર્ષે જૂલાઈના પહેલા જ સપ્તાહમાં 70 કેસ વધ્યા છે. જે 57.90 ટકા વધારો સુચવે છે.વડોદરા શહેરમાં સૌથી વધુ 50, રાજકોટમાં 45 કેસ સાથે રાજ્યમાં હાલમાં 191 કેસ છે. જે 8,663 દર્દીઓના ટેસ્ટમાંથી બહાર આવ્યા છે. ચોમાસામાં મચ્છર, પાણી જન્ય રોગચાળાથી જાહેર આરોગ્યને સલામત રાખવા તાકીદે પાણી નિકાલ, ગંદકી સફાઈ, દવાના છંટકાવ જેવી કાર્યવાહી કરવા આદેશો આપાયા છે.
Reporter: News Plus