વડોદરા કોર્પોરેશનના અમુક નિર્ણયો એવા હોય છે જેનો વિરોધ કોંગ્રેસના જ નહીં પણ ભાજપના કોર્પોરેટરોને પણ કરવો પડી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આજે ભાજપના એક કોર્પોરેટરે ગોત્રી વિસ્તારના એખ ટ્રાફિક સર્કલ પર અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
.
મૂળ વાત એવી હતી કે, ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ કોર્પોરેશનની સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે, ગોત્રી વિસ્તારમાં એક બિલ્ડરે ટ્રાફિક સર્કલ બનાવ્યુ હતુ. ત્યારપછી એનુ નામ પોતાની એક સ્કીમના નામે આપી દીધું હતુ. આમ એણે આખાય વિસ્તારનું અને ખાસ કરીને ટ્રાફિક સર્કલનું નામ પોતાની રીતે આપી દીધુ હતુ. અને એમાં કોર્પોરેશનની કોઈ પરવાનગી લીધી ન હતી. આ બાબતે કોર્પોરેશને પગલા લેવા જોઈએ તેવુ સૂચન પણ નીતિન દોંગાએ કર્યું હતુ. પરંતુ, એમની રજૂઆત ઉપર કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા
હકીકતમાં નીતીનભાઈ ભાજપના કાઉન્સીલર છે. અઢી દાયકાથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે. તેમ છતાંય ભાજપના કોર્પોરેટરની રજૂઆત ધ્યાન લેવાઈ ન હતી. જેથી નીતિન દોંગાએ બિલ્ડર અને કોર્પોરેશનના અધિકારીઓેને સબક શીખવાડવાનો નિર્ણય લીધો હતો. આજે નીતિન દોંગા પોતાના સમર્થકો સાથે ટ્રાફિક સર્કલ પર પહોંચ્યા હતા અને તેમણે આખાય સર્કલ પર કેસરી રંગનું રેડિયમ લગાડી દીધું હતુ. જેનાથી તેમની માંગણી સંતોષાઈ હતી અને આખાય વિસ્તારમાં સ્કાય લેબની જેમ ધસી પડેલુ એક બિલ્ડરનું નામ હટી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાનું કામ ટલ્લે ચડાવે છે તેવા આરોપો તો ઘણી વખત લાગ્યા છે પણ કોર્પોરેટરોના કામ પણ નથી કરતા તેવા આરોપોનો જીવતો જાગતો નમૂનો ગોત્રી પાસેના ચાર રસ્તા પર લાગેલા રેડિયમ પરથી મળી જાય છે. ખેર, આજે નીતિન દોંગાએ કોર્પોરેટર તરીકે કંઈક કર્યું તેવો ગર્વ અનુભવી રહ્યા છે. જ્યારે કોર્પોરેટરની રજૂઆત નહીં સાંભળવા બદલ અધિકારીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.
Reporter: News Plus