ભુજ: કચ્છમાં સરકારે દલિત સમાજની વિવિધ મંડળીઓને ફાળવેલી જમીનો પરનો કબજો પરત અપાવવા માટે આંદોલન ચલાવી રહેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભુજમાં યોજેલી પત્રકાર પરિષદનું રીપોર્ટીંગ કરવા આવેલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરૉ (આઈબી)ની દલિત મહિલા કર્મચારીની ખુરશી કોંગ્રેસના સ્થાનિક નેતાએ ખેંચી લઈને તેમને નીચે ગબડાવી દઈને મશ્કરી કરી હોવાની એટ્રોસીટી સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 34 વર્ષના ફરિયાદી રીનાબેન ચૌહાણ છેલ્લાં પાંચ વર્ષથી ભુજ સ્થિત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરીમાં મદદનીશ ઈન્ટેલિજન્સ ઑફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ભુજના સર્કિટ હાઉસમાં જિજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં તેઓ સહયોગી સાથે રીપોર્ટીંગ કરવા આવ્યા હતાં. મેવાણી આવીને બેઠાં ત્યારે તેમનો ફોટો ખેંચવા માટે ફરિયાદી ખુરશી પરથી ઊભાં થયાં તે સમયે ફરિયાદીની પાછળ ઊભેલાં કોંગ્રેસના કિસાન સેલના સંયોજક હરેશ શિવજી આહીરે તેમની ખુરશી ખેંચી લીધી હતી. આ બાબતથી બેખબર ફરિયાદી ફરી જેવા બેસવા ગયાં કે નીચે પડ્યાં હતાં.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં રીના ચૌહાણે લખાવ્યું છે કે, જેવું હું ગબડી પડી કે તુરંત હરેશ આહીરે અટ્ટહાસ્ય કરીને જણાવ્યું હતું કે ‘તમે ખુરશીમાં બેસવા લાયક જ નથી, તમારા માટે ખુરશી ના હોય’ નીચે પડી જવાથી ફરિયાદીને કમર અને પીઠમાં સામાન્ય ઈજા થતાં ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. પોલીસે હરેશ આહીર વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ સાથે ખુરશી પરથી ગબડાવી ઈજા પહોંચાડી સરકારી ફરજમાં રૂકાવટ કર્યાંની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
Reporter: admin