નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે એસસીઓ બેઠક સમયે ચીનના વિદેશ મંત્રીને એલએસીનું સન્માન કરવાની સલાહ આપવા છતાં ડ્રેગને સરહદે કાવતરાં ઘડવાનું ચાલુ જ રાખ્યું છે.
ચીનનું સૈન્ય પૂર્વી લદ્દાખમાં પેંગોંગ સરોવર પાસેના વિસ્તારમાં લાંબા સમયથી બન્કરો બનાવવા માટે ખોદકામ કરી રહ્યું છે, જેનો ઘટસ્ફોટ સેટેલાઈટ તસવીરોએ કર્યો છે.પૂર્વીય લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાં ચીનનું એક મિલિટ્રી બેઝ પણ છે, જ્યાં અન્ડર ગ્રાઉન્ડ બન્કરો બનાવાયા છે, જેથી તેમાં હથિયાર, ઈંધણ અને બખ્તરબંધ વાહનો માટે શેલ્ટર્સને સ્ટોર કરી શકાય. જોકે, અગાઉ પણ પેંગોંગ સરોવર પાસે ચીનની પ્રવૃત્તિઓ વધી હતી. ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૨૦માં સરહદીય તણાવ પણ પેંગોંગ સરોવર વિસ્તારમાં ડ્રેગનની ઘૂસણખોરીથી શરૂ થયો હતો.ચીનના સૈન્ય પીએલએનો પેંગોંગ સરોવર નજીક સિરજાપ મિલિટ્રી બેઝ છે, જે સરોવરની આજુબાજુ તૈનાત ચીની સૈનિકોનું મુખ્યાલય છે.
ચીને આ મિલિટ્રી બેઝ એવી જગ્યાએ બનાવ્યો છે, જેના પર ભારતનો દાવો છે. ચીની મિલિટ્રી બેઝ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)થી માત્ર પાંચ કિ.મી. દૂર છે. મે ૨૦૨૦માં એલએસી પર ઘર્ષણ શરૂ થયા પહેલાં આ વિસ્તાર માણસોનો વસવાટ નહોતો.સેટેલાઈટ તસવીરોનો રેકોર્ડ રાખતી અમેરિકન કંપની બ્લેક સ્કાય મારફત શૅર કરવામાં આવેલી તસવીરોમાં જણાવાયું છે કે સિરજાપ મિલિટ્રી બેઝ પર અન્ડરગ્રાઉન્ડ બન્કરો છે. તેનો ઉપયોગ હથિયાર, ઈંધણ અને અન્ય સપ્લાય રાખવા માટે થઈ રહ્યો છે. સિરજાપ બેઝ ૨૦૨૧-૨૨માં બનાવાયું હતું.સેટેલાઈટ તસવીરોમાં અન્ડરગ્રાઉન્ડ બન્કરના આઠ ઢોળાવવાળા એન્ટ્રી ગેટ સ્પષ્ટરૂપે જોવા મળી રહ્યા છે. એ જ રીતે મોટા બન્કરની પાસે નાનું બન્કર પણ છે, જ્યાં પાંચ એન્ટ્રી ગેટ જોવા મળી રહ્યા છે.
Reporter: News Plus