મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પાસેથી મેળવી હતી.
શહેર અને જિલ્લામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી તકેદારીના પગલાં લેવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. ગાંધીનગર સ્થિત ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહ પણ જોડાયા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિગતો આપી હતી કે, વડોદરા શહેરમાં એક દિવસમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે કુલ ૧૪૯૩ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૨૦ આશ્રય સ્થાનો નિયત કરવામાં આવ્યા છે. હજું પણ ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને એનડીઆરએફની એક અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ૩૦ બસો પણ તૈયાર રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં પાણી ઓસરતા હવે સફાઇ અને આરોગ્યની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે કુલ ૨૦૦ ટીમો બનાવવામાં આવી છે. જેમના દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ, ક્લોરિનેશન, ખાડા પૂરાણ, આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે કાચા મકાન પડવાની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં વડોદરા શહેરમાં સલાટ વાડા, પાદરા તાલુકાના નવાપૂરા, કરજણ નગરમાં અંશતઃ કાચા મકાનની દિવાલ પડવાની ઘટના નોંધાઇ છે. સુખલીપૂરા, દેણા, આસોજ, કોટાલી જેવા વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જિલ્લામાં તમામ અધિકારીઓને રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાહત અને બચાવની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે કામ કરવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, શહેર પ્રાંત ડો. વી. કે. સાંબડ, ગ્રામ્ય પ્રાંત રાજેશ ચૌહણ, ડિઝાસ્ટર મામલતદાર દુષ્યંત મહેતા જોડાયા હતા.
Reporter: