સુરત: છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી.
જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે. જો કે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ખાડીની સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઊતરશે. સીમાડા ખાડી હજુ પણ ઓવરફ્લો સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીપૂર આવી ગયું છે.
ભેદવાડ ખાડી ગત રોજ બપોરે ઓવરફ્લો થઈ જતા ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સાંજે લેવલ ઘટી ગયું હતું. જ્યારે સીમાડા ખાડી હજુ પણ ઓવરફ્લો છે. જ્યારે મીઠી સહિતની અન્ય ખાડીઓ પણ ડેન્જર લેવલથી નજીક વહી રહી હતી. તેના કારણે શહેરની જુદી જુદી 22 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. તેમાંથી માત્ર 6 જગ્યાએ જ પાણીનો નિકાલ થયો છે. અનેક જગ્યાએ ગટરનું પાણી બેક માર્યું છે.ખાડીપૂરને કારણે 955 લોકોનું સ્થળાંતર કર્યું સુરતમાં આવેલા ખાડીપૂરના કારણે અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા હતા. તેના કારણે ગત રોજ દિવસ દરમિયાન 955 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Reporter: admin