રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આજ ગુરુવારે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.આગામી તા.૪ જૂનના રોજ મત ગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી. પી.ભારતી સીધા પોલીટેનિક ખાતે પહોંચ્યા હતા.
જ્યાં તેમણે મત ગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મત ગણતરી એજન્ટ, ગણતરીદારો, ઇવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી.ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારિકાઇથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેષક અધિકારી બિજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કરી હતી કલેક્ટર એ જણાવ્યું કે,એક કાઉન્ટિંગ હોલમાં ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ ૧૪ ટેબલ ગોઠવાયા છે. ૧૯ રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં ૨૭ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ૧૨૦ જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રીયામાં ૬૨૦થી વધુ કર્મયોગીઓ જોડાશે. મત ગણનાના દિવસે પોલિટેનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય.આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી.ભારતીએ મતગણના કેન્દ્ર ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામાએ વિગતો પ્રસ્તુત કરી કે, મતગણના કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ, બીજુ સ્તર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર અને ત્રીજુ સ્તર કેન્દ્ર મત ગણના કેન્દ્રની અંદર.જ્યાં સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરવામાં આવી છે. મત ગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે. ટ્રાફિક સહિત ૭૫૦ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.બાદમાં પી.ભારતીએ નવી કલેક્ટરની મુલાકાત લીધી હતી.આ વેળાએ ડીસીપી જુલી કોઠિયા અને જ્યોતિ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus