રાજ્ય પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓ સંકલન સાથે કામગીરી કરશે?
આમ તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ ગણાય. પરંતુ જાગ્યા ત્યાંથી સવારની કહેવત ખૂબ જાણીતી છે તે પ્રમાણે રાજ્યના પોલીસ તંત્રે વડોદરામાં દાઉદનો કેસ ફરીથી જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યાની ખબર મળી રહી છે. જો આ થઈ રહ્યું હોય તો ખરેખર આવકાર્ય છે કારણ કે દાઉદ જેવા રાષ્ટ્રદ્રોહીને આમ પાણીમાં સાપ સરકી જાય એમ જવા તો ન જ દેવાય.એની ગેરહાજરીમાં પણ કેસ તો ચાલવો જ જોઈએ અને સજા પણ થવી જ જોઈએ.
મળતી માહિતી અનુસાર અદાલત ખુલતાની સાથે જ પોલીસ તંત્ર ચુકાદાની પ્રમાણિત નકલ મેળવશે,ઉચ્ચ અધિકારીઓ અને સરકારી વકીલોની ટીમ બધા એન્ગલથી ઊંડો અભ્યાસ કરશે અને આ કેસ કેવી રીતે ફરીથી જાગૃત કરવો અને આગળ વધારવો એની વ્યૂહ રચના નક્કી કરીને અપીલ કરી આગળ વધશે.
ભલે ૧૯૮૩ થી ૨૦૨૩ સુધી આ કેસમાં ઘોર નિષ્ક્રિયતા દાખવવામાં આવી અને તેના પરિણામે બોમ્બ ધડાકા,નિર્દોષોની હત્યા અને દેશની સંપત્તિને નુકશાન પહોંચાડનાર ગુનેગાર નિર્દોષ બરી થઈ ગયો.
પણ આ ઘટનાએ રાજ્ય પોલીસ તંત્રને ઘણાં બોધપાઠ શીખવ્યા છે.આ ઘટના પછી ઉતરોત્તર શાસન બદલાયા પણ પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ ન બદલાઈ એ એક મોટી ખામી ધ્યાને આવી છે.
ખરેખર જે તે સમયે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીરતા સમજીને વડોદરા પોલીસને માર્ગદર્શન આપવાની જરૂર હતી.તેની સાથે કેન્દ્રીય એજન્સીઓને તપાસમાં જોડવાની અથવા તેમનું માર્ગદર્શન લઈ આગળ વધવાની જરૂર હતી.સરકારે રસ લીધો હોત,મોનીટરીંગ કર્યું હોત અને માર્ગદર્શન આપ્યું હોત તો આ કેસ એક ગુનેગારને ઊગતો ડામવામાં ટરનિંગ પોઇન્ટ બની ગયો હતો. એ ન થયું એટલે એક ઊગતો ગુનેગાર ડોન બની ગયો.
ખેર, ઢોળાઇ ગયેલા દૂધ પર વિલાપ કરવાથી કશું હાંસલ ના થાય.
૨૦૨૨માં crpc ૭૦ મુજબના વોરંટ નીકળ્યા પરંતુ 1983 થી 2023 સુધી સક્રિયતા ન દાખવવામાં આવી.
૧૯૮૩ થી ૨૦૨૩ સુધી વડોદરા પોલીસને કેટલાક જાંબાઝ પોલીસ કમિશનર,સંયુક્ત અને નાયબ પોલીસ કમિશનર સહિત તરવરિયા અધિકારીઓ મળ્યા.
પરંતુ યા તો કોઈના ધ્યાન પર આ કેસ મૂકવામાં ન આવ્યો અથવા મૂકવામાં આવ્યો હોય તો કોઈએ એની ગંભીરતાની ઉચિત મુલવણી ન કરી.ખેર! માણસની જેમ કેટલાક કેસોનું નસીબ ખરાબ હોય એવું બનતું હશે.
બાકી આ કેસના માધ્યમથી માત્ર દાઉદ નહિ પણ દાણચોરીથી શરૂ કરી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓ સુધી પહોંચી ગયેલા અન્ય ઘણા ખૂંખાર ગુનેગારોને સકંજામાં લઇ શકાયા હોત.
૨૦૨૨માં crpc ૭૦ મુજબનાં વોરંટ નીકળ્યા પરંતુ ૧૯૮૩ થી ૨૦૨૩ સુધી સક્રિયતા ન દાખવવામાં આવી.દાઉદના હરીફ આલમઝેબનું એન્કાઉન્ટર થયું પરંતુ દાઉદને કદાચ પવિત્ર પાપી ગણીને કોઈ તકલીફ આપવામાં ન આવી.સંકલિત કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો પરિણામ જુદું આવતું.
દાઉદ પોલીસની આંખે ઊંધા પાટા બાંધવામાં સફળ રહ્યો.
કહેવાય છે કે દાઉદ સયાજી હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે દેશનાં બે ડઝન જેટલા નામચીન દાણચોરો એની ખબર કાઢવા આવ્યા.ત્યારે પણ પોલીસ બેખબર રહી.એજન્સીઓ એ કોઈ ઇનપુટ ન આપ્યા અથવા સ્થાનિક પોલીસે કોઈ સંકલન કર્યું જ નહિ.એટલે મોટો ઘા મારવાની તક વેડફાઈ ગઈ.સયાજી હોસ્પિટલમાં એની આરોગ્ય સરભરા થઈ,પોલીસે એની પહેરેદારી કરી અને ડોન સહુની સેવા લઈ બેફિકર રફુચક્કર થઈ ગયો.એવો ભાગ્યો કે ફરીથી પકડમાં આવ્યો જ નહિ.
દાઉદ પોલીસની આંખે ઊંધા પાટા બાંધવામાં સફળ રહ્યો.એની સામે માત્ર આર્મ્સ એકટનો ગુનો દાખલ થયો અને તેમાં પણ કલેક્ટરની પૂર્વ પરવાનગી ન લેવાની કચાશ રહી ગઈ.તપાસનીશ પોલીસ અધિકારી ભૂલ કરે પણ ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં એ ભૂલ ન આવે એ વિચારી ન શકાય એવી વાત છે.
એવું પણ કહેવાય છે કે દાઉદ જેલમાં હતો ત્યારે સરકારની પરવાનગીથી એક જાણીતા મહિલા પત્રકારે એની જેલમાં રૂબરૂ મુલાકાત કરી.ત્યારે ડોન જેલમાં ફૂટબોલ રમતો હતો!! જેલ એના માટે રમતનું મેદાન બની.કોણે આ સુવિધા આપી ખબર નથી.પરંતુ એટલું ચોક્કસ કે જે તે સમયે અને તે પછી આ ઘટનાને અને તેમાં ડોન દાઉદની ભૂમિકાને ખૂબ હળવાશથી લેવામાં આવી.પરિણામે ધર્મ ઝનૂની બની ડોને નિર્દોષોની હત્યા કરાવી અને દેશની સંપત્તિને નુકશાન પહોંચાડ્યું.
એ વાત ચોક્કસ કે ડોન નસીબનો બળિયો હતો.તેને બચાવનારા પડદા પાછળનાં ખેલાડીઓ કોણ હતા અને હાલ કોણ છે તે તપાસનો વિષય છે...
Reporter: News Plus