સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના પ્રારંભે આજે રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે શહેરની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો. આ યજ્ઞને આ વર્ષે ૨૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ યજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ગામે ગામ જઈને બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કન્યાઓના શિક્ષણ અંગેની જાગૃતતા આવે તે છે.આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ બાળકો અને વાલીઓમાં હકારાત્મકતાનું વાતાવરણ નિર્માણ કરનારો કાર્યક્રમ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની પ્રણાલી શરૂ કરી હતી જેના કારણે આજે બાળકો હસતાં હસતાં શાળાએ આવે છે અને આ શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શાળા આ ઉત્સવમાં બાળકોને પ્રવેશ કરાવે છે.
બાળક ભણીગણીને આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ જાગૃત બનીને કાર્ય કરવું પડશે. આજનું બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાલ વાટિકા અને ધોરણ ૧ ના બાળકોને મહાનુભાવોના હસ્તે શાળા કીટ વિતરણ કરવામાં આવી હતી તથા મહાનુભાવોએ શાળાના લર્નિંગ કોર્નરની મુલાકાત લીધી હતી. શાળામાં ૧૦૦% હાજરી આપેલ હોય એવા વિદ્યાર્થીઓ, શાળાના તેજસ્વી તારલાઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન તેમજ શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. શાળાની વાત કરીએ તો અહીં સ્માર્ટ ક્લાસની સાથોસાથ પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ તેમજ ફાયર સેફટીના સાધનો પણ ઉપલબ્ધ છે. મોટાભાગની જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ શાળામાં ઉપલબ્ધ છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેષ પંડ્યા, મ્યુનિસિપલ કાઉન્સિલર હેમીષા ઠકકર, હિરાભાઇ કાંજવાણી, અગ્રણીઓ રાજુભાઇ, મયુરભાઇ, શાળાનો સમગ્ર સ્ટાફગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus