મુંબઈ : કેનેરા બેંકનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ ગઈકાલે એટલે કે શનિવારે હેક થઈ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે. કેનેરા બેંકનું એક્સ એકાઉન્ટ હેક થયા બાદ હેકરોએ બેંકના ઓફિશિયલ હેન્ડનું નામ બદલીને ‘ether.fi’ કરી નાખ્યું હતું અને લોકેશન પણ બદલીને કેમેન આઈલેન્ડ કરી દીધું હતું.
બેંક દ્વારા રવિવારે 23મી જૂનના આ બાબતની માહિતી ફેસબુક પેજ પર એક પોસ્ટ કરીને પોતાના ગ્રાહકોને આપી હતી. બેંક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કેનેરા બેંક તમામ સંબંધિતોને આ બાબતે જણાવવા માંગે છે કે બેંકના એક્સ એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ટીમ દ્વારા આ બાબતે વધુ તપાસ કરાઈ રહી છે અને બેંક પોતાના ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મેળવવા માટે કામ કરી રહ્યું છે.
બેંક દ્વારા ખાતાધારકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ હેક કરવામાં આવેલા એકાઉન્ટ પર કોઈ પણ પ્રકારની માહિતી શેર ના કરે. બેંક બને એટલું ઝડપથી આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જેવું ઓફિશિયલ હેન્ડલનું એક્સેસ પાછું મળશે તો તરત જ આ બાબતની જાણકારી ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહકોને પડી રહેલી અસુવિધા માટે માફી પણ માંગી હતી.
Reporter: News Plus