ટિકિટ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, માંજલપુરના ‘સેફ ગઢ’માં શિસ્તના ધજાગરા
વોર્ડ કાર્યાલયે ઘર્ષણ બાદ મારામારીની ચર્ચાઓ, ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ડેમેજ કંટ્રોલ ચેલેન્જ
ચૂંટણી ટાણે જ વોર્ડ નં-18ના ભાજપના પૂર્વ કોર્પોરેટરની નારાજગી ભારે પડી, કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો હોવાની ચર્ચા
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક હેઠળના વોર્ડ નં-18માં ગત મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ચર્ચા છે કે, ટિકિટ ન મળતા નારાજ થયેલા એક પૂર્વ કોર્પોરેટરને કાર્યકરો દ્વારા 'ઢીબી' નાખવામાં આવી છે. માંજલપુર વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપ માટે સૌથી 'સેફ' બેઠક માનવામાં આવે છે. પરંતુ આ વખતે વોર્ડ નં-18માં ઉમેદવારોની પસંદગી બાદ સ્થિતિ વણસી છે.ભાજપે અહીં સમીકરણો જાળવવા માટે એક પાટીદાર ઉમેદવારને રિપીટ કર્યો છે, જ્યારે બીજી પુરુષ બેઠક પર ચેતન પરમારની પસંદગી કરી છે. ચેતન પરમારના નામની જાહેરાત થતા જ શરૂઆતમાં વિરોધના સૂર ઉઠ્યા હતા, જેને સંગઠને ડેમેજ કંટ્રોલ કરીને શાંત તો પાડી દીધા, પરંતુ અંદરખાને સળગતી આગ હજુ શમી નથી.વોર્ડ નં-18ના એક પૂર્વ કાઉન્સીલર, જેમને આ વખતે પક્ષે રિપીટ કર્યા નથી, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ ન મળતા આ નેતા પક્ષના નિર્ણયથી અત્યંત નારાજ હતા અને વિસ્તારમાં ફરીને અલગ-અલગ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. તેમની આ હરકતો પક્ષના વફાદાર કાર્યકરોમાં પણ કચવાટ ઊભો કરી રહી હતી.ઘટનાની વિગત એવી છે કે, ગત મોડી રાત્રે આ પૂર્વ કાઉન્સીલર વોર્ડના ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર એક યુવક સાથે કોઈ બાબતે તેમની બોલાચાલી થઈ હતી. મામલો એટલો બિચક્યો કે વોર્ડ નં-17ના પૂર્વ કાઉન્સીલરના ભાઈને વચ્ચે બચાવ કરવા પડ્યો હતો. પરંતુ નારાજ પૂર્વ કોર્પોરેટરે આવેશમાં આવી તેમને પણ ધક્કો મારી દીધો હતો.આ જોઈને કાર્યાલય પર હાજર રહેલા કાર્યકરોનો પિત્તો ગયો હતો. ચર્ચાઈ રહ્યું છે કે, પૂર્વ કોર્પોરેટરની સતત ચાલતી શિસ્તહીન હરકતો અને રાત્રિના ઘર્ષણના કારણે ઉશ્કેરાયેલા કાર્યકરોએ તેમને મેથીપાક ચખાડ્યો હતો.ભાજપ હંમેશા પોતાની શિસ્ત માટે ઓળખાય છે, પરંતુ ચૂંટણી ટાણે કાર્યકરો વચ્ચેની આ પ્રકારની જૂથબંધી અને મારામારીની ચર્ચાઓએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે. ભાજપના મોવડી મંડળ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લોખંડના ચણા ચાવવા જેવું સાબિત થશે. હાલ તો આ સમગ્ર મામલો શહેરભરના રાજકીય ગલિયારાઓમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સત્તાવાર રીતે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ અંદરખાને આ ઘટનાએ મોટા નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે.
Reporter: admin







