News Portal...

Breaking News :

કેજરીવાલના નવા નિર્ણયથી દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ: મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો

2026-04-27 10:59:24
કેજરીવાલના નવા નિર્ણયથી દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ: મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો


દિલ્હી:  પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. 


કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, તેમણે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જસ્ટિસ સ્વર્ણકાંતા દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણય સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો પોતાનો અધિકાર અબાધિત રાખશે. 


આ સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલ અને મનીષ સિસોદિયાની તે અરજી ફગાવી દેવામાં આવી, જેમાં તેમણે આ કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ પાસેથી હટાવવાની માંગ કરી હતી.20 એપ્રિલના રોજ કોર્ટે આ વિનંતીને ફગાવી દેતા જસ્ટિસ શર્માને સુનાવણી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેનાથી કેજરીવાલ નારાજ જણાઈ રહ્યા છે. દારૂ નીતિનો આ મામલો આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ સાથે જોડાયેલો છે અને લાંબા સમયથી કાનૂની વિવાદમાં છે. કેજરીવાલનું આ નવું કદમ એવા સમયે આવ્યું છે જ્યારે મામલો હજુ પણ કોર્ટમાં વિચારાધીન છે, જેના કારણે દિલ્હીના રાજકારણમાં અને કાનૂની જગતમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.

Reporter: admin

Related Post