રાજકોટ: જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણ સાગર તળાવમાં રવિવારે ચાર કિશોરો નાહવા માટે આવ્યા હતા.
જોકે, કોઈ કારણસર આ તમામ ચાર કિશોરો નાહતાં નાહતાં ડૂબી ગયા હતા. તળાવની પાળ પરથી સાયકલ અને કપડાં મળ્યા બાદ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ચારેય કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે ચારેયના પરિવાર અને આખા પંથકમાં અરેરાટી અને શોકનો માહોલ છવાયો છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, રવિવારના રોજ એટલે 26મી એપ્રિલના રોજ રાજકોટના જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા ચાર કિશોર ડૂબી ગયા હતા. ઉનાળાની ગરમીમાં નહાવા ગયેલા આ મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ કિશોર ઘણીવાર સુધી ન આવતા પરિવાર અને અન્ય લોકોએ ત્યાં શોધખોળ શરૂ કરી હતી.આ લોકોને તળાવ પાસેથી કપડાં, ચપ્પલ અને સાયકલ મળી આવી હતી. જેથી પરિવારને શંકા ગઈ કે બાળકો નાહવા ગયા હોય શકે તેમ પરિવારે જણાવ્યું હતું. જે બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓને આ અંગેની જાણ કરી હતી.ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ કિશોરોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ રામુભાઈ રાઠોડ (14 વર્ષ), કાળુભાઈ રાઠોડ (10 વર્ષ), રાજવીર રાઠોડ (15 વર્ષ) અને કિશન રાઠોડ (15 વર્ષ) નામના ચારેય બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.
Reporter: admin







