નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુએસ પ્રવાસ દરમિયાન આપેલા વિવિધ નિવેદનો બાબતે વિવાદ ઉભો થયો છે.
ખાસ કરીને શીખ સમુદાય અંગે કરેલી ટીપ્પણી અંગે ભારે હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા છીનવાઈ રહી છે. ભાજપના શીખ નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. દરમિયાન એક ભાજપ નેતાએ રાહુલ ગાંધીએને ધમકી આપી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.કોંગ્રેસે ભાજપના નેતા અને પૂર્વ વિધાનસભ્ય તરવિંદર સિંહ મારવાહનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રાહુલ ગાંધીના હાલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જેવા કરવાની ધમકી આપી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના ‘X’ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસે લખ્યું, “દિલ્હી બીજેપીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય, તરવિંદર સિંહ મારવાહએ આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધી, અટકી જાઓ, નહીં તો ભવિષ્યમાં તમારા પણ એવા જ હાલ થશે જેવા તમારી દાદીના થયા હતા. ભાજપના આ નેતા ખુલ્લેઆમ દેશના વિરોધ પક્ષના નેતાને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, તમારી પાર્ટીના આ નેતાની ધમકી પર તમે ચૂપ ન રહો, આ બહુ ગંભીર બાબત છે. આ તમારા પક્ષની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આમના પર કાર્યવાહી થવી જોઈએ.
Reporter: admin