વડોદરા: 'કલાનગરી' વડોદરાની પ્રખ્યાત કલા સંસ્થા ફાઇન આર્ટસ ફેકલ્ટી અને તેના પ્રતિભાશાળી કલાકારોના કારણે કલાવારસો જળવાઇ રહ્યો છે. તેનું એક ઉદાહરણ વડોદરાના ટ્રાફિક સર્કલો છે.
વિશ્વના જૂજ શહેરોમાં વડોદરા એક છે કે જ્યાં ટ્રાફિક સર્કલ જેવા જાહેર સ્થળો પણ કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને મૂલ્યવાન કહી શકાય તેવા શિલ્પ અને સ્થાપત્યો મૂકવામાં આવ્યા હતા.પરંતુ ભાજપ સંસ્કારી નગરીના કલા વારસાને ગળે ટૂંપો દઈ રહી છે. કલાત્મક કૃતિ હટાવીને હવે ફાઇબરના પૂતળા મૂકવાની કામગીરી કરાઇ રહી છે, જેનાથી વડોદરાના કલાવારસાને નુકસાન થઇ રહ્યું છે, તેવા મત સાથે વડોદરાના કલાકારો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઓનલાઇન પિટિશન કરી છે.કલાકારો કહે છે કે અમારું માનવું છે કે આ ટ્રાફિક સર્કલો શહેરની ઓળખ બનેલા છે. તેની સંરચના અને સુંદરતામાં જો ફેરફાર જરૃરી હોય તો તે કામગીરી કાળજી સાથે કરવી જોઇએ. આ માગ સાથે અમે કલાકારો, આર્કિટેક્ટ્સ અને નિષ્ણાતો આ ઓનલાઇન પિટિશનમાં હસ્તાક્ષર કરીને વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓને અપીલ કરીએ છીએ કે (૧) શહેરના જાણીતા કલાકારો, આર્કિટેક્ટ્સ, ટાઉન પ્લાનર્સ અને અન્ય નિષ્ણાતોનો સમાવેશ કરતી હોય તેવી એક સમિતિની રચના કરવામાં આવે.
આ સમિતિ વડોદરામાં જાહેર જગ્યા ઉપર મૂકવામાં આવેલા શિલ્પોની કલાત્મક ગુણવત્તાનું મૂલ્યાંકન કરશે અને સમયે-સમયે વડોદરા મહાનગરપાલિકાને આ શિલ્પો બાબતે મદદની જરૃર હોય ત્યારે માર્ગદર્શન અને મદદ પૂરી પાડશે.(૨) ગેંડા સર્કલમાં અગાઉ સ્થાપિત ધાતુના ગેંડાને પુનઃસ્થાપિત કરો. તે માટે જો સમારકામ અથવા ફેરફારની જરૃર હશે તો અમે આર્ટિસ્ટો મદદ કરીશું.વડોદરાના ટ્રાફિક સર્કલ દાયકાઓથી તેના કલાત્મક શિલ્પોના કારણે ઓળખ બનેલા છે.આવનારી પેઢીઓ સુધી તે સચવાઇ રહે તે માટે જે તે સ્થાન પરથી હટાવવામાં આવેલા શિલ્પો અને કલાકૃતિઓની પુનઃ સ્થાપના થાય અને તે શિલ્પોની યોગ્ય જાળવણી પણ થાય. આ પ્રકારની વ્યવસ્થા કરીને વડોદરા મહાનગરપાલિકા કલા પ્રત્યે તેનું વલણ પણ જાહેર કરી શક્શે.
Reporter: News Plus