ભારતીય જનતા પક્ષનું જિલ્લા કાર્યાલય બની ગયું, જિલ્લા પક્ષ અધ્યક્ષને રાજ્ય પક્ષ અધ્યક્ષની જાહેરમાં વઢ ખાવી પડી..પરંતુ પક્ષની કચેરી વટથી બની ગઈ.
ત્યારે વધુ શક્તિશાળી,ધન દૌલત સંપન્ન લોકોના ભારે પીઠબળ અને નિર્માણ પરવાનગી તંત્ર ઘેર આવીને આપી જાય એવો રૂઆબ છતાં,શહેર ભાજપ કાર્યાલયનું બાંધકામ પ્રમાણમાં મંથર ગતિએ ચાલી રહ્યું છે.
અગાઉ નિર્માણ આયોજનમાં,જગ્યાની પસંદગીમાં અને અન્ય બાબતોમાં મત મતાંતર અને વિલંબ થયો.પરિસ્થિતિ હજુ પણ જોઈએ એવી થાળે પડી નથી.
અને એમાં પણ વિવાદ,વિખવાદ અને આંતરિક ટાંટિયા ખેંચ કેડો મુક્તિ નથી.
હાલમાં જ અર્ધા બનેલા કાર્યાલયના રાતોરાત ઉદ્ઘાટનનો તખ્તો ગોઠવાયો.સ્થિતિ એ હદે ગઈ કે કેટલાકે રામ મંદિર પણ હજુ બને છે અને તોય ઉદઘાટન થયું એવી દલીલ આ ઉતાવળને ટેકો આપવા કરી..
જો કે છૂપો અસંતોષ,જૂથવાદ અને ચડસા ચડસી હવે જાહેર ઘોંઘાટ થઈને બહાર આવી છે.કારેલીબાગમાં બંધાતા કાર્યાલય અંગે એકબીજાની પોલ ખોલ રમત ચાલુ થઈ ગઈ છે.
એવા ગણગણાટ છે કે કાર્યાલયમાં કાયદાને નેવે મૂકીને નિર્માણ થઈ રહ્યું છે અને સત્તા તંત્રો આંખ આડા કાન કરી રહ્યાં છે.જો કે હાકેમનો મહેલ બંધાતો હોય તો વાંધા કાઢવાની કોઈ હિંમત કરે ખરું ?
એ જે હોય તે હાલમાં તો કાર્યાલય બંધાય તે પહેલાં વિવાદનો મહેલ ખડો થઈ ગયો છે.
Reporter: News Plus