પાવીજેતપુર તાલુકાના રતનપુર થી ભેંસાવહી જતા રસ્તામાં આવતા પુલના સળિયા બહાર દેખાઈ દેતા જનતામાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. પાવીજેતપુર થી ત્રણ કિલો મીટર જેટલા અંતરે આવેલ રતનપુર પાસે થી પસાર થતા ભેંસા કોતર ઉપર પુલ બનાવવામાં આવ્યો હોય જે પુલના સળિયા બહાર દેખાવા લાગતા સ્વાભાવિક રીતે જનતામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પાવીજેતપુર નજીક ભારજ નદી ઉપરનો પુલ બેસી જતા એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જે તે સમયે જનતાએ રસ લઈ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તેમાં પણ ડખા થતા જનતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવતા સમગ્ર ટ્રાફિકને વન કુટીરથી રંગલી ચોકડી થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે આ ડાયવર્ઝન ઉપરથી મોટા મોટા હાઈવા,મોટી ટ્રકો, ૧૪ પૈંડા વાળી ટ્રકો પણ પસાર થતા હોવાના કારણે આ રસ્તાની હાલત તો ખસતા થઈ જવા પામી છે પરંતુ રતનપુરના આ પુલ ઉપર સળિયા દેખાતા હતા તેમાં વધુ હાલત ખરાબ થઈ રહી છે. સેંકડોની સંખ્યામાં વાહનોની અવર-જવર થવાના કારણે આ પુલના સળિયા વધુ દેખાવા લાગ્યા છે અને વધુ વાહનો પસાર થતા આ પુલને વધુ નુકસાન થાય તો કદાચ આ ડાયવર્ઝન પણ બંધ થઈ જશે કે શું ? આ પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે.
એક તરફ ભારજ નદીની બાજુમાં બનાવેલ જનતા ડાયવર્ઝન બંધ થઈ જવા પામ્યું છે ત્યારે નાના મોટા દરેક વાહનોનું ડાયવર્ઝન વન કુટીરથી આપવામાં આવી હોય જેથી રતનપુર ના પુલ ઉપરથી સેંકડો ની સંખ્યામાં વાહનો પસાર થાય છે. જેને લઇ આ પુલની પણ ખસતા હાલત થઈ રહી છે તેમજ આ રસ્તાની ઉપર પણ ખૂબ મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે, જે કુંભકરણ નિંદ્રામાં ઊંઘતા તંત્રને દેખાતા નથી. શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે.આમ, પાવીજેતપુર નજીક રતનપુર ના પુલના સળિયા દેખાય દેતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.
Reporter: News Plus