ઢાકા: બાંગ્લાદેશમાં રાજકીય બળવા લઇને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે મોટુ નિવેદન આપ્યું હતું.
૧૫મી ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગો ફરકાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં જે કઇ હાલ થઇ રહ્યું છે તે આપણને સ્વતંત્રતા કેટલી મહત્વપૂર્ણ છે તે શીખવી રહ્યું છે. સ્વતંત્રતા અને અભિવ્યક્તિને હળવાશથી લેવી બહુ જ સહેલુ છે પણ આ ઘટનાઓ આપણને શીખવે છે કે આ બન્ને કેટલી મહત્વપૂર્ણ છે. દરમિયાન બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની કમાન સંભાળી રહેલા મોહમ્મદ યુનુસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન યુનુસે ખાતરી આપી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની જવાબદારી તેમની સરકાર લઇ રહી છે.
જ્યારે મોદીએ પણ યુનુસને બાંગ્લાદેશમાં શાંતિ અને વિકાસ માટે ભારત સાથે હોવાની ખાતરી આપી હતી. ૧૫મી ઓગસ્ટના પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની ચિંતા ભારતના તમામ નાગરિકો કરી રહ્યા છે. મોદીના આ નિવેદન બાદ બાંગ્લાદેશની સરકાર સંભાળનારા મોહમ્મદ યુનુસે મોદી સાથે વાત કરીને હિન્દુઓનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.મોહમ્મદ યુનુસે સત્તાની કમાન સંભાળતા જ અન્ય મોટા ફેરફારો શરૂ કરી દીધા છે. બાંગ્લાદેશે અન્ય રાજ્યોમાં તૈનાત પોતાના રાજદૂતોને બદલી નાખ્યા છે. આશરે છ જેટલા દેશોમાં બાંગ્લાદેશના રાજદૂતોને પરત બાંગ્લાદેશ આવવા આદેશ અપાયા છે. આ તમામ રાજદૂતોની નિમણુંક પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા કરવામાં આવી હતી. જે દેશોના રાજદૂત બાંગ્લાદેશે પાછા બોલાવ્યા છે તેમાં જર્મની, અમેરિકા, કેનેડાનો સમાવેશ થાય છે.
Reporter: admin