દિલ્હી: અહીંના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરીને ઓલમ્પિક સુધી રમીને મેડલ હાંસલ કર્યાં છે.
તેવામાં આ સ્ટેડિયમ પર 26-27 ઑક્ટોબરના દિવસે પંજાબી સિંગર દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાયો હતો, જેમાં હજારો લોકોએ હાજરી આપી હતી. જ્યારે શો પૂરો થયા પછી સ્ટેડિયમ બદતર હાલતમાં જોવા મળતા ખેલાડીઓ પરેશાન થયા છે અને સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રનર બિઅંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જાણકારી આપી હતી કે, શો પછી સ્ટેડિયમમાં દરેક જગ્યાએ દારૂની બોટલો, પાણીની ખાલી બોટલો, ખાવાની વસ્તુ-પેકેટ્સ જોવા મળ્યાં. ગંદકીના કારણે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ છોડી દેવી પડી હતી.
આ ઉપરાંત, રનિંગ ટ્રેક પણ ખરાબ થયો હોવાથી ખેલાડીઓને હાલાકી પડી રહી છે.મળતી માહિતી પ્રમાણે, આ કોન્સર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને સારેગામા વચ્ચે કરાર કરાયો હતો. આ મુજબ કોન્સર્ટના આયોજકોએ સ્ટેડિયમને 1 નવેમ્બર સુધી ભાડે લીધું છે. આ પછી આ સ્ટેડિયમમાંથી તમામ ભંગાર અને કચરો સાફ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ મુજબ, સ્ટેડિયમ નક્કી કરાયેલી તારીખ પહેલા ઓપરેશનલ અને સ્વચ્છ સ્થિતિમાં SAIને સોંપવામાં આવશે.
Reporter: admin