૧૯૮૩ ની ૧૧ મી જૂને ઘટેલી એ ઘટનાની વધુ એક વરસી હવે દોઢેક મહિનો દૂર છે.પણ એ ઘટના સાથે જોડાયેલા અનેક સવાલો હજુ સુધી તો અનુત્તર જ છે.
આ પૈકી કેટલાના જવાબ મળશે એ તો નવેસરથી અને કેટલી નિષ્ઠાથી કેસ ખોલવામાં આવે છે એના પર નિર્ભર છે.
જામ્બુવા ખાતે જી. ઈ.બી.ના વીજ ભાર વિતરણ કેન્દ્ર નજીક ઘટેલી એ ઘટનામાં ખરેખર દાઉદ જે હોન્ડા કારમાં પ્રવાસ કરતો હતો,એમાં એના સાથીથી અકસ્માત ગોળી છૂટી કે બે ગેંગો સાથે અથડામણમાં થયેલા ગોળીબારમાંએ ઘવાયો એ બાબતની પણ છણાવટ કરવી પડશે.
જો કે ૪૧/૪૨ વર્ષ પહેલાં ઘટેલી ઘટનાના અંકોડા આજે જોડવા અતિ દુષ્કર કામ છે.પહેલા તો એ સમયે જે લોકો એની સાથે હતા એ પૈકી કોઈ જીવિત હોય તો એને ઝાલવો પડે.
ત્યારે દાઉદ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો હતો.આ પૈકી હાજી હાજી સુબનિયા અગાઉ જ ખુદાના દરબારમાં પહોંચી ગયો છે.દાઉદ કાયદાના લાંબા હાથમાંથી છટકી ને સરહદ પાર પાકિસ્તાનમાં,એના આકાઓની રહેમ નજર,છત્રછાયા અને સુરક્ષા હેઠળ છે.સત્યને આશરો ના મળે પણ આવા અનિષ્ટોને પાલવમાં સંતાડનારાઓ ની ખોટ નથી.
હવે બચ્યા ઇબ્રાહિમ મહંમદ શેખ અને અલી અબ્દુલ્લા અંતૂલે. એ લોકો ક્યાં છે,એમને જિંદા યા મુર્દા હાજર કરવા પડે. એ કામ સહેજ પણ સહેલું નહિ જ હોય.જો એ થઈ શકે તો ઘટના થોડી વધુ ઉજાગર થઈ શકે.આશ્ચર્ય એ વાતનું છે કે દાઉદ ન તો મળતો પણ આ લોકોની શોધખોળ કેમ ન થઈ? 2022 સુધી crpc 70 મુજબનાં વોરંટ જ ના નીકળ્યા.
બીજી એક ચોંકાવનારી વાત એ છે કે જગદીશ લોજમાં દાઉદ ગેંગ માટે આરક્ષણ કોઈ અશોક શાહના નામનું હતું.આ અશોક શાહ કોણ,ખરેખર આવું કોઈ હતું કે કાલ્પનિક નામે લૉજ બુક થઈ? વડોદરામાં દવાખાનાવાસી દાઉદને મળવા કોણ કોણ આવ્યું એની કોઈ નોંધ છે,હોય તો એમાંથી કોઈ મળી શકે,જમીનદારો કોણ હતા,વડોદરાના હતા કે વડોદરા બહારના,દાઉદ વતી ધારાશાસ્ત્રીઓની ફી કોણે અને કેવી રીતે ચૂકવી,નવેસરની તપાસમાં દાયરો ખૂબ વ્યાપક રાખવો પડશે.છાશ વલોવીને માખણ કાઢવાનું છે..નીકળશે?
પંચોએ આ ગેંગ પાસેથી વાહનમાં અને લોજમાં મળેલા ૩ પિસ્તોલ,આયાતી બનાવટની બે રિવોલ્વર,૮૫ જુદા જુદા માર્કાના જીવતા કારતૂસ જેવા થેલામાં મળેલા શસ્ત્રો ઓળખી બતાવ્યા હતા.
હોન્ડા સિટી કારની બેઠક તળેથી ૨ વપરાયેલી ગોળીઓ મળી હતી.તે અને કેટલાક હથિયારોનો આર્મ્સ એકટના હુકમમાં કોઈ ઉલ્લેખ નથી.કોની શરત ચૂક જવાબદાર? અપીલમાં રિકવર થયેલા છતાં નોંધાયા ન હોય એવા હથિયારોનો સમાવેશ કરવો પડશે.સદર હુકમમાં પરવાનગી વગરનાં ઈમ્પોર્ટેડ રિવોલ્વર-પિસ્તોલનાં મુદ્દામાલનો કોઈ ઉલ્લેખ નથી.કબજે લીધેલી હોન્ડા કારનો પણ ઉલ્લેખ નથી,તેવું જાણકારોનું કહેવું છે.
વડનું ઝાડ જૂનું થાય એટલે ઘણી વડવાઈઓ વિકસીને વડ થઈ જાય.પછી મૂળ વડલાને શોધવો દોહ્યલો.એટલે નવી અપીલ એ કરોળિયાના જાળાનો પહેલો તાંતણો શોધવા જેટલું જટિલ કામ છે.જોઈએ પોલીસ આ કામ કેટલી સક્ષમતા થી કરે છે...
Reporter: News Plus