અલકાપુરી ગરનાળામાં પોલીસનું હેવી વ્હીકલ અટવાતા ટ્રાફિકજામ.વિશ્વામિત્રી બ્રીજ બંધ હોવાથી પોલીસની ગાડી અલકાપુરી ગરનાળામાં ઉતરી અને અંદર જ ફસાઈ ગઈ
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના માથે છે તેવી પોલીસનું વાહન જ ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરતુ નથી અને એને લીધે આજે વડોદરાના સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. વાત એવી હતી કે, અલકાપુરી ગરનાળામાં પ્રવેશતી વખતે પોલીસનું હેવી વ્હીકલ ફસાઈ જતા ચકચાર મચી ગઈ હતી. ભારે જહેમત બાદ પણ પોલીસની ફસાયેલી ગાડી બહાર નહીં નીકળતા મુશ્કેલી સર્જાઈ હતી.વાત એવી છે કે, શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનના ટ્રેકની કામગીરી ચાલુ છે. જેને લીધે વિશ્વામિત્રી ફ્લાય ઓવર પરથી વાહનોની અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે.
આવા સંજોગોમાં શહેરના પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તાર તરફ જવુ હોય તો વડસર બ્રીજ અથવા સ્ટેશન ગરનાળા જેવા વિકલ્પોનો ઉપયોગ થાય છે. અલકાપુરી ગરનાળાની વાત કરીએ તો જ્યારથી વિશ્વામિત્રી બ્રીજને બંધ કરવામાં આવ્યો છે ત્યારથી અહીં ચોવીસે કલાક ટ્રાફિકની અવરજવર વધી છે. આવા સંજોગોમાં આજે સવારે પોલીસનું એક હેવી વ્હીકલ અલકાપુરી ગરનાળામાં પ્રવેશ્યુ હતુ. પણ વાહનની ઉંચાઈ વધારે હોવાથી એ અંદર જ ફસાઈ ગયુ હતુ. હેવી વ્હીકલ અન્ડર પાસમાં ફસાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ગરનાળામાં ફસાયેલુ વાહન પોલીસનું જ હતુ એટલે ટ્રાફિક પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. એટલે પછી ચુપચાપ વાહનને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ હતી. ભારે મથામણ બાદ વાહનને બહાર કાઢવામાં પોલીસને સફળતા મળી હતી અને પોલીસની ગરનાળામાં ફસાયેલી લાજ બચી હતી.
Reporter: News Plus