સાંસદે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરેલા અંદાજપત્રને વિકસિત ભારતના રોડ મેપ તરીકે લેખાવ્યું
સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ લોકસભામાં દસ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે હાંસલ કરાયેલ સિદ્ધિની ગાથા રજુ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશી આરોગ્ય ક્ષેત્રે ખૂબ સિદ્ધિઓ મેળવી હોવાનું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ આજે સાંસદમાં પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું.
આજે લોકસભાના બજેટ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનોની માંગના સત્ર દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ પોતાનું પહેલું વક્તવ્ય રજૂ કર્યું હતું. સાંસદે વિકસિત ભારતના સંકલ્પ માટે ભારતીય સ્વાસ્થ્ય સંશાધનોમાં કેટલો પોટેન્શિયલ છે તેનો ચિતાર રજૂ કરતા વીતેલા ૧૦ વર્ષમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની ગાથા પણ રજૂ કરી હતી. આ ઉપરાંત સાંસદે વડોદરા લોકસભા વિસ્તાર માટે PM આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એટલે કે PM- ABHIM અંતર્ગત સમગ્ર વિસ્તારમાં નવીન હોસ્પિટલો ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મૂકી હાલની હોસ્પિટલોની સુવિધાને અપગ્રેડ કરવા માટે પણ રજૂઆત કરી હતી. સાંસદે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન - IMA તથા સંલગ્ન વિવિધ હોસ્પિટલના સંચાલકોની આયુષ્યમાન ભારત યોજનાના ક્લેઈમ સેટલમેન્ટ કરવા અંગેનું પણ સંસદગૃહમાં સૂચન કર્યું હતું.
મહત્વના વિષય પર પોતાનો મત રજૂ કરવાની તક આપવા અંગે લોકસભાના અધ્યક્ષ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આ મારું પહેલું વક્તવ્ય છે, મારી પાર્ટી, મારા કાર્યકર્તાઓ અને મારા વ્હાલા નગરજનો કે જેમણે મારી પર વિશ્વાસ મૂકી મને માનનીય પ્રધાન સેવક નરેન્દ્ર મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ સાંસદ તરીકેની જવાબદારી સોંપી હોવાનું જણાવી સૌનો આભાર માની આરોગ્ય પરમ ભાગ્ય સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ ની ઉક્તિ ટાંકતા ઉમેર્યું હતું કે માનવીના જીવનમાં આરોગ્ય આ એક માત્ર સંપત્તિ છે કે જેના સહારે અન્ય તમામ હાંસલ કરી શકાય છે. તેમણે કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રને વિકસિત ભારતના રોડ મેપ તરીકે ગણાવી તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણને લગતી મહત્વની ઘણી બાબતો પર પ્રકાશ ફેકવામાં આવ્યો હોવાનું જણાવી તેનો આંકડાકીય ચિતાર રજૂ કર્યો હતો.
Reporter: admin