શહેરના સરસિયા તળાવની બ્યુટીફીકેશન અંતર્ગત કામગીરી થયા બાદ ગણેશોત્સવ બાદ ગણેશજીની પ્રતિમા સહિત મહોરમની પર્વ દરમિયાન તાજીયાનું વિસર્જન સરસિયા તળાવ ખાતે નહિ કરવા અંગેની રજુઆત શહેર પોલીસ કમિશ્નરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
કેટલાક સમય પહેલા સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા સુરસાગરની બ્યુટીફિકેશન કામગીરી કર્યા બાદ હવે ગણેશ મંડળો ગણપતિની પ્રતિમાનું વિસર્જન સુરસાગર ખાતે કરી શકતા નથી. ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો બનાવીને છેલ્લા કેટલાય સમયથી ગણેશ પ્રતિમાઓને તેમાં વીસર્જિત કરવામાં આવે છે. મહોરમ પર્વની ઉજવણીને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાજીયા વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવા અંગેની પોલીસ.કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાનું વિસર્જન સરસિયા તળાવ ખાતે કરવામાં આવે છે જેને કારણે તળાવમાં રહેલી જળચર સૃષ્ટિને નુકશાન પહોંચી શકે છે. સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવા માટે પણ બ્યુટીફીકેશન કરેલ તળાવમાં તાજીયા વિસર્જન કરવા એ યોગ્ય નથી.પાલિકા તંત્ર જો ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવી શકે તો પછી તાજીયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવ બનાવવા જોઈએ.સરસિયા તળાવ એ વડોદરાની ઐતિહાસિક ધરોહર છે.
આ તળાવમાં પ્રદુષણ અને ગંદકી ન ફેલાય એ જોવાનું કામ પાલિકા તંત્રનું છે તેવા સમયે તંત્રએ કૃત્રિમ તળાવ બનાવીને તાજીયા વિસર્જન અંગે કામગીરી કરવી જોઈએ.વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ વિભાગ પર ગણેશોસ્તવના સમયે ડી.જે વગાડવા અંગેના પ્રતિબંધ અને પોલીસની વ્હાલા દવલાની કામગીરીની ટીકા કરીને વધુમાં જણાવ્યું હતું કે તાજીયાના આગમન અને વિસર્જનના સમયે ડીજે પર વધારે પડતા ઘોઘાટ વચ્ચે રાત્રીના સમયે પિટની રમાતી હોય છે,તે સમયે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ગણેશોસ્તવની ઉજવણી અને વિસર્જનના સમયે પોલીસ વિભાગ નિયમોને આગળ ધરી દઈને ડીજે સહિત વસ્તુઓનો કબ્જે કરી લેતી હોય છે. બે તહેવારો માટેની ઉજવણી પ્રસંગની પોલીસની વ્હાલા દવલાની નીતિ અને કામગીરી બાબતે હિન્દૂ પરિષદે રોષ વ્યકત કરીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. અત્રે અહીં ઉલ્લેખનીય છે કે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસ મથક દ્વારા રાત્રીના 10:00 વાગે ડીજે બંધ કરાવીને ડીજે જપ્ત કરીને ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવી હતી આ બાબતે પણ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે પોલીસની આ વ્હાલા દવલાની નીતિથી થઈ રહેલી કામગીરી તટસ્થ હોવી જોઈએ.
Reporter: admin