ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસી પણ પાછી ખેંચશે
લંડન: વેક્સીન બનાવતી ગ્લોબલ જાયન્ટ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ ઓક્ષફર્ડ યુનીવર્સીટી સાથે વિકસાવેલી કોરોના વાયરસ પ્રતિકારક વેક્સીનને કારણે બ્લડક્લોટીંગ જેવી ગંભીર આડ અસર થતી હોવાનો ખુલાસો થયા બાદ દુનિયાભર હોબાળો મચી ગયો છે. એવામાં કંપનીએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ વૈશ્વિક માર્કેટમાંથી વેક્સીનના તમામ ડોઝ પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે.
તાજેતરમાં એસ્ટ્રાઝેનેકાએ બ્રિટેનની કોર્ટમાં વેક્સીનની આડઅસરો અંગે સ્વીકાર કર્યો હતો. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની વેક્સીન કેટલાક દુર્લભ કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યા જેવી સમસ્યાનું કારણ બની શકે છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ નામની વેક્સીન એસ્ટ્રાઝેનેકાની જ ફોર્મ્યુલા છે.
કંપનીનું કહેવું છે કે, બજારમાં કોરોના માટે વધુ પ્રમાણમાં વેક્સીન ઉપલબ્ધ હોવાને કારણે તેઓએ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે અપડેટેડ વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે વાયરસ નવા વેરિઅન્ટ સામે રક્ષણ આપવા સક્ષમ છે.
યુકેમાં કંપની 100 મિલિયન પાઉન્ડના મુકદ્દમાનો સામનો કરી રહ્યો છે. બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે વેક્સીન દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. બ્રિટનમાં આના કારણે લગભગ 81 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જો કે, એસ્ટ્રાઝેનેકાએ નકારી કાઢ્યું છે કે કોવિશિલ્ડ પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે સંબંધિત છે.
Reporter: News Plus