રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પુનઃ એક વખત ચકાસણી કરવામાં આવી રહી છે. વડોદરા ખાતે પણ તમામ ગેમઝોનની ચકાસણી કરવામાં આવી રહી છે. મ્યુ.કમિશનર દિલીપ રાણા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળું જાગી ગયું છે. આમેય ગુજરાતમાં કોઈ મોટી ઘટના ન થયા ત્યાં સુધી તમામ લોકો ઊંઘતા જ રહે છે. અને ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકાસણી હાથ ધરવામાં આવે છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની નીતિ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે વડોદરા ના તમામ ગેમઝોન ની ચકાસણી કરાઈ રહી છે. એમ.જી.વી.સી.એલ,પોલીસ,મિકેનિકલ અને સિવિલ ઇજનેરો ની ટિમ બનાવવામાં આવી છે અને આ તમામ ટિમો ચેકીંગ હાથ ધરશે. ચેકીંગ બાદ ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે.
તેઓએ ઉમેર્યું હતું કે 9 મેના રોજ ફન બ્લાસ્ટ નું ચેકીંગ કર્યું હતું. ત્યાં ક્ષતિ અગાઉ જણાતા પૂરતી વ્યવસ્થા બાદ એન.ઓ.સી અપાઈ હતી. સર્કસમાં પણ ક્ષતિ જણાતા બંધ કરાવી તમામ નિયમો નું પાલન થતા શરૂ કરાવી હતી. જે પણ મોલ,અન્ય જગ્યાઓ પર ફાયર એન.ઓ.સી હશે તો પણ ચકાસણી થશે અને જ્યાં નિયમ ભંગ થશે ત્યાં કાર્યવાહી થશે.ઉલ્લેખનીય છે કે વડોદરામાં હરણી બોટકાંડ હજુ લોકોના માનસપટ પરથી નીકળ્યું નથી તેવામાં રાજકોટની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધી છે.
Reporter: News Plus