સાન મેટિયો: અમેરિકાની મોબિલિટી કંપની એલેફ એરોનોટિક્સે સિટીના વાતાવરણમાં ફ્લાઈંગ કારનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.
કેલિફોર્નિયાના સાન મેટિયોમાં હેડક્વાટર ધરાવતી કંપની ૨૦૧૫થી ઉડતી કાર્સની ડિઝાઈન અને તેના ડેવલપમેન્ટના કામમાં જોડાયેલી છે. કંપની દ્વારા ટેસ્ટિંગનો વિડીયો જારી કરવામાં આવ્યો છે. જે વ્હીકલની ગ્રાઉન્ડબ્રેકિંગ ક્ષમતાઓ દર્શાવે છે. રિપોર્ટ મુજબ, ટેસ્ટની શરૂઆત કેલિફોર્નિયાના રોડ પર બ્લેક કલરની ઈલેક્ટ્રિક પ્રોટોટાઈપ કારના ડ્રાઈવિંગથી થઈ હતી. જેમાં કારને તેની આગળ ઊભેલી કારને કૂદાવીને જતાં જોઈ શકાય છે. રનવે અથવા ટેથર્ડ ફ્લાઈટ પર આધાર રાખતા અગાઉના પ્રયાસોથી વિપરીત આ સિટીના વાતાવરણમાં વ્હીકલ ચલાવવા અને ડાયરેક્ટ વર્ટિકલ ટેકઓફનો પહેલો દાખલો હતો.
કંપનીએ ટેસ્ટ ફ્લાઈટ પહેલા કડક સલામતી સાથે પરીક્ષણ હાથ ધર્યું હતું. તેમણે ખાતરી કરી હતી કે, રસ્તો બંધ છે અને ફ્લાઈટ પાથની નજીક કોઈ હાજર નથી. એલેફનો હાલનું પ્રોટોટાઈપ મોડલ ઝીરો તેના પહેલા કસ્ટમર પ્રોડ્કશન મોડલ-એ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ કરી રહ્યું છે. મોડલ-એ ને ડ્રાઈવેબલ ફ્લાઈંગ કાર તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ક્ષમતાઓ છે. કંપનીને 2023માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પાસેથી એરવર્થિનેસ સર્ટિફિકેટ મળ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, તેમના મોડલ-એને ૩,૩૦૦ પ્રી-ઓર્ડર મળ્યા છે. પહેલા કોમર્શિયલ મોડલની કિંમત ત્રણ લાખ ડોલર રાખવામાં આવી છે. આ કાર 320 કિમીની ડ્રાઈવિંગ રેન્જ અને 160 કિમીની ફ્લાઈટ રેન્જ ધરાવે છે. કંપની આગળ જતા એલેફ મોડલ-ઝી લોન્ચ કરવાની છે.
Reporter: admin