વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણાએ મનમાની કરીને કોર્પોરેશનમાં લાયકાત કે અનુભવ વગરના કર્મચારી અને અધિકારીઓની ભરતી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

મ્યુનિસીપલ કમિશનર રાણાજી પોતાને મન ફાવે તે રીતે કોર્પોરેશનમાં ભરતી અને વહિવટ કરી રહ્યા છે. વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરીકે આરઆરના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી બિન અનુભવી અને લાયકાત વગરના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવી દીધાની શાહી હજુ સુકાઇ પણ નથી ત્યાં મ્યુનિસીપલ કમિશનર રાણાએ કોર્પોરેશના તેમના પીએની એપોઇન્ટમેન્ટમાં પણ મોટો કાંડ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. કમિશનર દિલીપ રાણાએ તેમના પીએની સીધી ભરતીના કોર્પોરેશને બનાવેલા નિયમોનું પણ છડેચોક ઉલ્લંઘન કર્યું છે. કમિશનર દિલીપ રાણા પોતે એક અધિકારી નહીં પણ જ્યારે ખુદ સરકાર હોય તે રીતે વર્તન કરીને બેફામપણે લાયકાત વગરના ઉમેદવારોની ભરતી કરી રહ્યા છે અને પોતે જ સરકાર છે તેવો રુઆબ કરી રહ્યા છે. કમિશનર દિલીપ રાણાએ ફાયર વિભાગમાં તો સીધી ભરતીના નિયમોનો ભંગ કર્યો જ છે પણ તે બાબતે હજુ પણ તપાસ ચાલુ છે તેવા ગાણા ગાયા કરે છે કારણ કે તેમને ખબર છે કે આ પોલ પકડાઇ ગઇ છે. હવે તેમણે કમિશનરના પીએ તરીકેની સીધી ભરતીમાં પણ નિયમો મુજબ અનુભવ ના ધરાવતા વ્યક્તિને પીએ બનાવી દીધો છે. કમિશનર રાણાજીને કદાચ એમ હશે કે પોતે કમિશનર હોવાથી પોતાના પર કોઇ આંગળી નહીં ઉઠાવી શકે પણ જ્યાં પણ ખોટું થયું હશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું કારણ કે વડોદરા કોર્પોરેશન એ કોઇની જાગીર નથી પણ વડોદરાવાસીઓ જ તેના અસલી માલિક છે અને કમિશનર રાણાજીથી માંડીને નાનામાં નાના કર્મચારીને દર મહિને જે પગાર મળે છે તે વડોદરાવાસીઓના પરસેવાના ટેક્ષના નાણાંમાંથી મળે છે. ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ હોય કે પછી પીએ ટુ કમિશનરની પોસ્ટ હોય લાયકાત અને અનુભવ વગરના ઉમેદવારને તેમણે ભરતી કરી છે અને તેમ કરીને અન્ય લાયક ઉમેદવારો સાથે અન્યાય કર્યો છે. નવાઇની વાત એ છે કે તેમનો જે પીએ છે તે એક સાથે બે જવાબદારી પણ સંભાળે છે આમ છતાં કમિશનર રાણાજીએ આ જ વ્યક્તિને પોતાનો પીએ બનાવ્યો છે તે શંકા પ્રેરે તેમ છે. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની નિમણુંક પાછળ હવે કંઇક રંધાયું હોવાની ગંધ આવી રહી છે જેથી આ બંને મામલાની રાજ્ય સરકારે તપાસ કરવી જરુરી છે. કમિશનર રાણાજીની નિયત પર શંકા ઉપજે તે રીતે આ બંને ભરતી કરવામાં આવી છે. કોર્પોરેશનના સીધી ભરતીના નિયમ 12 નો સરેઆમ ભંગ મ્યુનિસીપલ કમિશનર ના પીએની ભરતી માટે 04-07-2023ના રોજ ઓનલાઇન અરજી કરવાની સૂચના બહાર પડાઇ હતી અને તેની અવધિ 23-07-2023 સુધી હતી. જો કે કમિશનર દિલીપ રાણાએ ગોઠવણ મુજબ પાલિકાના જ કર્મચારી અમિત થોરાટની 21-9-2023 ના રોજ ઇન્ચાર્જ પીએની નિમણુક કરી દીધી હતી. અમિત થોરાટની નિમણુક શંકા પ્રેરે તેમ છે કારણકે કોર્પોરેશનના જ સીધી ભરતીના નિયમ 12 નું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે. વાસ્તવમાં અમિત થોરાટને નિયમ મુજબ 5 વર્ષનો સળંગ પીએનો અનુભવ નથી અને ઇન્ચાર્જ અનુભવને ભરતીમાં માન્ય ગણાતો જ નથી. સળંગ 5 વર્ષનો પીએનો અનુભવ જ માન્ય ગણાય છે. દિલીપ રાણાએ કદાચ સીધી ભરતીના નિયમોની જાણ ના હોય તો અમે જણાવી દઇએ કે પાલિકાના સીધી ભરતીના 12માં નિયમમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અંશકાલીન, રોજીંદા વેતનદાર, એપ્રેન્ટીસ, તાલીમી, માનદવેતન, આમંત્રીત ફેકલ્ટી, ઇન્ચાર્જ (મુળ હોદ્દા સિવાયની વધારાની કામગીરી) અને અગેઇન પોસ્ટ ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં . આ નિયમ મુજબ અમિત થોરાટ 5 વર્ષનો સળંગ પીએનો અનુભવ ધરાવતા નથી અને તેથી તેમની નિમણુક જ ગેરકાયદેસરની કરાઇ છે તેવું દસ્તાવેજો જ બોલી રહ્યા છે. અમિત થોરાટને પીએ તરીકે સળંગ 5 વર્ષનો અનુભવ જ નથી તો ભરતી કઇ રીતે કરાઇ? પીએ ટુ કમિશનરની ભરતી જ ગેરકાયદેસરની કરવામાં આવી છે. મહાનગરપાલિકાનો ઓર્ડર ખોટો લખાયો છે તેવું અમને જાણવા મળ્યું છે પણ નોકરીની શીટમાં એવો કોઇ ઓર્ડર નથી. વાત દિવા જેવી ચોખ્ખી છે કે પીએની ભરતીમાં ઇન્ચાર્જનો અનુભવ માન્ય ગણવામાં આવતો જ નથી તેવું ખુદ કોર્પોરેશનના ભરતીના નિયમોમાં 12માં ક્રમાંકમાં જણાવેલું છે.
કમિશનર તરીકે દિલીપ રાણા 2022માં વડોદરા કોર્પોરેશનમાં આવ્યા હતા અને 21-9-2023 ઇન્ચાર્જ પીએ નો અમિત થોરાટને ઓર્ડર આપ્યો હતો. તેના કારણે અન્ય સીધી ભરતીમાં હોય તેવા ઉમેદવાર સાથે રીતસર અન્યાય કરવામાં આવ્યો હોવાનું પુરવાર થયું છે.કમિશનર રાણાજી સીધી ભરતીના નિયમો ઘોળીને પી ગયા મ્યુનિસિપલ કમિશનર રાણાજીએ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં તો ખુલ્લેઆમ ભરતીના નિયમોનો ભંગ કર્યો છે પણ પોતાના પીએની ભરતીમાં પણ તે કોર્પોરેશનના સીધી ભરતીના નિયમોને ઘોળી ને પી ગયા છે. અમિત થોરાટે મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં માં રેવેન્યુ ઓફિસર થયા પછી આટલો વખત કામ કર્યું છે અને અમિત થોરાટે ઇન્ચાર્જ પીએ તરીકે કામ કર્યું છે. મ્યુનિસિપલ કલાર્ક, રેવન્યુ ઓફિસર તરીકે,અને ઈન્કવાયરી ઓફિસર તરીકે અમિત થોરાટે કામ કર્યું છૅ . જો કે અહી સવાલ એ પણ થાય છે કે અમિત થોરાટ પાસે ઇન્ચાર્જનો ઓર્ડર હતો કે નહીં ? અગાઉના પીએ ઓર્ડર લઇને ફરજ બજાવતા હતા.ઉલ્લેખનિય છે કે અગાઉ આ પીએ ટુ કમિશનરની પોસ્ટ ઉપર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કક્ષાના અધિકારી ફરજ બજાવતા હતા જેમાં ભાઇલાલભાઇ ભટ્ટ, મયંક ત્રિવેદી,રાહુલ ભટ્ટ વિ.નો સમાવેશ થાય છે અને આ ત્રણેય અધિકારી ઓર્ડર લઇને ફરજ બજાવતા હતા. અમિત થોરાટ એક સાથે 2 હોદ્દા ભોગવી રહ્યા છે.નવાઇની વાત એ છે કે અમિત થોરાટ હાલ કોર્પોરેશનમાં બે હોદ્દાઓ પર એક સાથે નોકરી કરી રહ્યા છે. તેઓ પીએ ટુ કમિશનર તરીકે ફરજ તો બજાવે છે પણ સાથે સાથે ઇન્ક્વાયરી ઓફિસર તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. સવાલ એ છે કે કોઇ એક વ્યક્તિ એક સાથે બે હોદ્દા પર કામ કેવી રીતે કરી શકે. આમ તો કેટલાક અધિકારી એવા છૅ જેઓ 3 હોદા પણ ધરાવે છે. ગત 21-9-23ના રોજ અમિત થોરાટને ઇન્ચાર્જ પીએ નો ઓર્ડર મળ્યો હતો અને હવે થોડા દિવસ પહેલા અમિત થોરાટને પીએ નો ઓર્ડર અપાયો છે. અમિત થોરાટને 14-08-2023ના રોજ ઇન્ક્વાયરી ડિપાર્ટમેન્ટમાં ઇન્ક્વાયરી ઓફિસર તરીકે નિમણુંક કરાઇ હતી જ્યારે તેના મહિનાના ગાળામાં જ તેમને કમિશનરના પીએ તરીકે નિમણુક કરાઇ હતી. ઇન્ક્વાયરી ઓફિસર તરીકે તેમને ઓન પ્રોબેશન 2 વર્ષ માટે નિમણુંક કરવામાં આવી હતી. દિલીપ રાણાજીના આવ્યા પછીની તમામ ભરતીની તપાસ થવી જોઇએ.મ્યુનિ.કમિશનર દિલીપ રાણાજીના અત્યાર સુધીના કાર્યકાળમાં તો બિનઅનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસરની નિમણુંક તથા પીએ ટુ કમિશનરની નિમણુક કરવામાં આવી છે તે શંકા પ્રેરે તેમ છે અને તેથી જ કોર્પોરેશનના અન્ય વિભાગોમાં પણ દિલીપ રાણાના આવ્યા પછી આ પ્રકારે સીધી ભરતીના નિયમોનો સરેઆમ ભંગ કરીને કેટલી ભરતી કરવામાં આવી છે તેની પણ ઉંડી તપાસ થવી જરુરી છે. બંને જગ્યાઓ માટે બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોની ભરતી કરી દઇને કમિશનર દિલીપ રાણા એમ સમજે છે કે તેમને પુછનારું કોઇ નથી. અમિત થોરાટને 1999માં રહેમરાહે નોકરી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને એકાઉન્ટ વિભાગ, સામાન્ય વહિવટ વિભાગમાં સમયાંતરે બદલી કરાઇ હતી. તેમને જીએડીમાં રેવન્યુ ઓફિસર અને એકાઉન્ટ વિભાગમાં પણ રેવન્યુ ઓફિસર કોર્પોરેશનમાં પણ રેવન્યુ ઓફિસર સહિતના વિભાગોમાં તેમની બદલી કરાઇ હતી અને ત્યારબાદ કમિશનર દિલીપ રાણાના આવ્યા બાદ તેમને સળંગ 5 વર્ષનો અનુભવ ના હોવા છતાં તેમને પીએ ટુ કમિશનરી પોસ્ટ પર નિમણુક કરી દેવાઇ હતી.
Reporter: admin