News Portal...

Breaking News :

પૈસા ફેકો તમાશા દેખો

2025-02-24 10:34:56
પૈસા ફેકો તમાશા દેખો



અમદાવાદના ડિવીઝનલ ફાયર ઓફિસર અને અગાઉ વડોદરા ફાયર બ્રિગેડમાં પણ ત્રણ વર્ષ ફરજ બજાવી ચૂકેલા ઇનાયત શેખે ફાયર એનઓસી આપવા માટે અમદાવાદના ફાયર કન્સલ્ટન્ટને રીતસર આડકતરી ધમકી આપીને 80 હજારની લાંચ માગી હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ફાયર વિભાગમાં ફાયર એનઓસી આપવા માટે કેટલી હદે બેફામપણે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.તેનો વધુ એક પુરાવો મળ્યો છે. 


ફાયર વિભાગના અધિકારીઓ હવે કોઇને પણ ગાંઠતા નથી કારણ કે તેમની પાસે ફાયર એનઓસી જેવું એક શસ્ત્ર આવી ગયું છે જેના આધારે તેઓ કરોડપતિ થઇ રહ્યા છે અથવા કરોડપતિ બનવાના તેમને અભરખા જાગ્યા છે. ફાયર વિભાગમાં તમે જ્યારે માગો ત્યારે ફાયર ની ગાડીઓ મળે, અને તમે ઇચ્છા ત્યારે અને તે સ્થળ પર ગાડીઓ ઉભી પણ રહે, પછી એ ત્રણ દિવસ હોય કે ચાર દિવસ હોય કે 10 દિવસ હોય, પૈસા ફેકો તમાશા દેખો...જેવી હાલત ફાયર વિભાગમાં છે. બિચારા નાના કર્મચારીઓ તો જાનના જોખમે આગ બુઝાવી કે પૂર કે અન્ય કુદરતી માનવ સર્જિત આફતોમાં લોકોનું રક્ષણ કરે છે પણ ફાયર વિભાગના અધિકારીઓને તો પોતાના ગજવા ભરવામાં જ રસ હોય છે. ફાયર વિભાગમાં નવા આધુનિક વાહનો અને ફાયર કર્મચારીઓને વધુ સુવિધાઓ મળે તેવા પ્રયાસો ખરેખ તેમણે જ કરવાના હોય છે પણ પોતાનું આ કામ બાજુ પર મુકીને તેઓ ભરણના કામ કરી રહ્યા છે તેવું ચોખ્ખુ દેખાઇ રહ્યું છે. કોઇ જાહેર કાર્યક્રમ હોય તો તે કાર્યક્રમ માટે ફાયરનો બંદોબસ્ત મુકવાનો હોય છે પણ ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શો જેવા ખાનગી સંસ્થાના કાર્યક્રમની માત્ર ડોક્યુમેન્ટના આધારે કે સ્થળ વિઝીટ કર્યા વગર જ ફાયર એનઓસી આપી દઇને ચીફ ફાયર ઓફિસર શું સાબિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય છે. જે કાર્યક્રમ સરકારનો હોય ત્યાં ગાડીઓ મુકવાની હોય છે નહીં કે ક્રેડાયના આયોજકો સંચાલકો રાજકારણ સાથે સંકળાયેલા છે.ચીફ ફાયર ઓફિસરને રૂપિયા આપી દો અને ગાડી મુકાવી દીધી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ખરેખર તો પાલિકાએ આવી કોઈ સેવા ઉભી કરવા માટે  તગડી રકમ જેવી કે 5-10 લાખ રૂપિયા લેવા જોઈએ કારણ કે ક્રેડાઈ વડોદરા પણ એક બિઝનેસ કરે છે. તેઓ પણ પ્રોપર્ટી વેચીને પોતાનો ઇન્કમ કરી રહ્યા છે, જેથી પાલિકાએ બજેટમાં નવી લાગત આ પ્રમાણે ઊભી કરવી જોઈએ. ક્રેડાઈ ને મફતમાં આવી કોઈ સુવિધા આપવાની ના હોય.આ તો ગાડી ઉભી કરી દીધી એટલે, કોઈ મંજૂરી નહીં ને પાઇપ પણ નહીં. જો કે વડોદરાનું કિસ્મત એવું છે કે તેને બિનઅનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસર આપી દેવાયા છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના પાપે વડોદરાને બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મળ્યા છે કે જેમની પાસે કોઇ પણ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ફાયર સર્વિસનો કોઇ અનુભવ જ નથી. આ એટલે જ દર્શાવે છે કે ચીફ ફાયર ઓફિસરે ખરેખર તો ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શોની સ્થળ વિઝીટ કરવી જોઇએ અને ત્યાં ખરેખર ફાયર સેફ્ટીની યોગ્ય સુવિધા કરાઇ છે કે કેમ તેની ચકાસણી કરવી જોઇએ અને પછી જ ફાયર એનઓસી આપવી જોઇએ પણ બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરે તો માત્ર ક્રેડાઇ વડોદરાએ રજૂ કરેલા ડોક્યુમેન્ટ જોઇને ફાયર એનઓસી આપી દીધી છે. જ્યાં રોજના હજારો લોકો એકત્ર થતાં હોય ત્યાં સરકારના નિયમો અને હાઇકોર્ટની ટકોર પછી પણ ફાયરના અધિકારીઓ ફાયર સેફ્ટીના નિયમો બાબતે સજાગ નથી તે ચોંકાવનારી વાત છે. 


કોર્પોરેશનના અધિકારીઓ પાસે હવે કોઇ અપેક્ષા નથી પણ રાજ્ય સરકારે હવે આ વિભાગમાં યોગ્ય સાફસૂફી કરીને યોગ્ય ઉદાહરણ બેસાડવું જોઇએ કારણ કે લોકોની સુરક્ષા સાથે ફાયર વિભાગ સીધી રીતે સંકળાયેલો છે.  છાપરા વાળું ફાયર સ્ટેશન ફક્ત સ્માર્ટ સિટી વડોદરામાં જ હોઈ શકે.પાલિકા એ થોડા દિવસ પહેલા 5.80 કરોડના ખર્ચે બદામડી બાગ ખાતે નવી ફાયર ઓફિસનું લોકાર્પણ કર્યું છતાં પણ દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે  છાપરા વાળું ફાયર ટેશન ચાલી રહ્યું છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા  તે જૂનું ફાયર સ્ટેશન ડીમોલેશન કરીને નવું ફાયર સ્ટેશન બદામડી ખાતે બનાવવામાં આવ્યું છે. જ્યારે નવું ફાયર સ્ટેશન બની ગયું છે અને  લોકાર્પણ પણ થઈ ગયું છે ત્યારે જૂનું ફાયર સ્ટેશન કે જે દાંડીયા બજાર ખાતે  છાપરામાં ચાલે છે તે બદામડી બાગ ખાતે નવી ઓફિસમાં શિફ્ટ કરી દેવું જોઇએ. હાલ વડોદરા ફાયર બ્રિગેડમાં કરોડો રૂપિયાની ગાડીઓ સડી રહી છે અને પાલિકાની દરિદ્રતા દેખાઈ રહી છે. છાપરા વાળું ફાયર સ્ટેશન ફક્ત વડોદરામાં જ હોઈ શકે. આના કારણે પાલિકાનો ખર્ચ વધે છે અને જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે અલગ અલગ ટીમ ના બનાવી પડે, વહીવટી ખર્ચ ઓછો થાય પણ  ફાયર વિભાગનું અણગઢ આયોજન, વહીવટી સૂઝનો અભાવ  દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ફૂટપટીયું ફાયર સ્ટેશન બંધ કરવું જોઈએ. ચીફ ફાયર ઓફિસરે તાત્કાલિક ધોરણે ઓફિસ ત્યાં શિફ્ટ કરવી જોઈએ, અને તેઓ પણ અત્યારે  સીસીસી માં બેસે છે તેઓએ પણ તાત્કાલિક ધોરણે તેમની ઓફિસ શિફ્ટ કરવી જોઈએ...ઇનાયત શેખે ધમકી આપી હતી કે હલવે તમે અરજી કરશો તો તમને એનઓસી નહી મળે...  અમદાવાદનો  પ્રહલાદનગર ફાયર સ્ટેશનનો ડિવીઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ ફાયર કન્સલ્ટન્ટ પાસેથી 80 હજારની લાંચ માગી હતી અને તે પણ સ્થળ વિઝીટ કરી ત્યારે જ તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એસીબીના અધિકારીએ જણાવ્યું કે એક બિઝનેસ સ્કૂલ માટે ફાયર સેફ્ટીની કાર્યવાહી કરવા માટે ફાયર કન્સલ્ટન્ટે ફાયર બ્રિગેડમાં દસ્તાવેજો રજૂ કરી ફાયર એનઓસી માગી છે. તે વખતે અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડિવીઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ પાસે હતો. ઇનાયત શેખ સ્થળ વિઝીટ કરવા ગયો ત્યારે તેણે 80 હજારની લાંચ માગી હતી અને ત્યારબાદ 15 હજાર તેણે મેળવી પણ લીધા હતા.તેણે ફાયર કન્સલ્ટન્ટને ગર્ભીત ઝધમકી આપી હતી કે તમારે તો કન્સલ્ટીંગનું કામ છે..હવે તમે અરજી કરશો તો અમે સાંભળીશું નહી અને તમને ફાયર એનઓસી નહીં આપીએ. જો કે થોડા સમય પછી ચીફ ફાયર ઓફિસર પરત ફરતા તેમણે ફાયર એનઓસી આપી દીધી હતી. આ ઘટના બાદ ઇનાયત શેખે કન્સલ્ટન્ટ પાસે લાંચની માગણી ચાલુ રાખી હતી તેથી કન્સલ્ટન્ટે આખરે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે આણંદ એસીબીએ ઇનાયત શેખની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું અને તેને 65 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. ઇનાયત શેખે 3 વર્ષ વડોદરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવી હતી.એસીબીએ જણાવ્યું હતું કે ઇનાયત શેખ છેલ્લા 6 વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અગાઉ  ઇનાયત 2012થી 2016 સુધી રાજકોટમાં ફરજ બજાવતો હતો અને ત્યાર બાદ  2016થી 2919 સુધી વડોદરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો હતો 2019 બાદ તે 6 વર્ષથી અમદાવાદ ખાતે વર્ગ 2ના અધિકારી તરીકે ફરજ બજાવે છે. એસીબીમાં ફાયર ઓફિસરોની વિરુદ્ધમાં અનેક અરજીઓ...હાલ તો ઇનાયત શેખના ઘેર અને ઓફિસમાં એસીબી સર્ચ કરીને તેની અસ્ક્યામતો શોધી રહી છે. ફાયર વિભાગના અધિકારી તરીકે તેણે આ પ્રકારે ફાયર એનઓસી આપવાના નામે કેટલા રુપિયા પડાવેલા છે તેની તપાસ પણ ચાલી રહી છે અને તેની સ્થાવર જંગમ મિલકતો કેટલી છે તેની તપાસ સાથે બેંક ખાતાઓ અને લોકરની પણ તપાસ કરાઇ રહી છે. એસીબીના અધિકારીએ એમ પણ કહ્યું કે અમારી પાસે ફાયર ઓફિસર અને કર્મચારીઓની વિરુદ્ધમાં પણ લોકોની અરજીઓ આવતી જ હોય છે.પૈસાના મદમાં છકી ગયેલા બિલ્ડરોએ ફાયર ટેન્ડર ખસેડી લીધું અને અભિમાની મેયર લાચાર બનીને ફરતા રહ્યા...વડોદરાના માલેતૂજાર બિલ્ડરોએ જ્યારથી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા થઇ રહ્યા છે ત્યારથી વડોદરા શહેરની માઠી દશા બેસી ગઇ છે. આ બિલ્ડરો કોઇ પણ નિયમો કે કાયદાનો અમલ કરવામાં માનતા નથી કારણ કે તેમને તો તેમના ધંધામાં જ રસ હોય છે. જે નડે તેને પૈસા ફેંકીને ખરીદી લેવામાં આવે છે. આવુ ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કારણ કે પ્રોપર્ટી શોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું હતું, સ્થળ તપાસ કર્યા વગર જ નવા ચીફ ફાયર ઓફિસરે દસ્તાવેજોના આધારે ફાયર એનઓસી આપી દીધી હતી જે ભયંકર બેદરકારી સૂચવે છે. જો કોઇ દૂર્ઘટના સર્જાઇ હોત તો બિલ્ડરોએ તો ફાયર એનઓસીનો કાગળ બતાવીને હાથ ખંખેરી કાઢ્યા હોત પણ ચીફ ફાયર ઓફિસર ભરાઇ ગયા હોત તે ચોક્કસ વાત છે. રાજકોટ અગ્નિકાંડની તપાસમાં ફાયરના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવેલી જ છે. નવાઇની વાત એ છે કે જ્યારે અમારા ફોટોગ્રાફરે ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શોમાં જઇને ફાયર સેફ્ટીને લગતા ફોટા પાડ્યા ત્યારે ત્યાં ગાઇડલાઇન મુજબ ફાયર સેફ્ટીની એક પણ સુવિધા જોવા મળી ન હતી.પણ અમારો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ત્યાં એક ફાયર ટેન્ડર મુકી દેવાયું હતું. જો કે જ્યારે મેયર અને સ્ટેન્ડીગ ચેરમેન ક્રેડાઇ શોની મુલાકાતે ગયા ત્યારે ફાયર સેફ્ટીની આ એક માત્ર સુવિધાને પણ અવગણીને ક્રેડાઇ પ્રોપર્ટી શોના આયોજકોએ આ ફાયર ટેન્ડર ખસેડી લેવાયું હતું, જેથી આયોજકો સામે અનેક સવાલો ઉભા થયા છે. તેઓ પૈસાના મદમાં એટલી હદે ગળાડૂબ થઇ ગયા છે કે તેમને લોકોની સુરક્ષાની કોઇ જ પડી નથી તેવું સ્પષ્ટ જણાઇ આવ્યું છે અને પ્રદર્શન પુરુ થયા પહેલાં જ ફાયર ટેન્ડર ખસેડી લઇને પોતાની ગંભીર બેદરકારી છતી કરી હતી. પ્રોપર્ટી શોમાં શહેરના બિલ્ડરોએ પોતાની શક્તિનું રીતસર પ્રદર્શન ક્યું હતું અને સત્તાધીશો અને ધર્મગુરુઓ તથા રાજકીય નેતાઓને તેમણે પોતાની શક્તિનો અંદાજ દર્શાવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં નેતાઓની પણ અવરજવર રહી હોય તેવા શોમાં ફાયર સેફ્ટીને પણ અવગણવા આવી હતી કારણ કે તેઓ પૈસા અને સત્તાના મદમાં છકી ગયેલા છે. ફાયર ટેન્ડર ખસેડી લઇને તેઓ એક સંદેશ આપવા માગતા હતા કે બધા નેતાઓ અને કોર્પોરેશનના અધિકારીઓ તથા શાસકો અમારા ખિસ્સામાં છે, અમારું કોઇ બગાડી લેશે નહી. નવાઇની વાત એ છે કે સુરક્ષાની મોટી મોટી વાતો કરનારા અભિમાની મેયર પિંકી સોની પણ બિલ્ડરો સામે લાચાર બનીને ઝુકી ગયેલા જણાયા હતા. આ મામલે ચીફ ફાયર ઓફિસરનો સંપર્ક કરાયો હતો તપણ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

Reporter: admin

Related Post