જૂનાગઢ : ભવનાથમાં શનિવારથી શરૂ થયેલા મહાશિવરાત્રિ મેળામાં પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે મેળામાં ચોરી કરતી મહારાષ્ટ્રના 4 શખ્સની ગેંગને પકડી પાડી હતી. તેમજ બસસ્ટેન્ડ માંથી મધ્યપ્રદેશના ખીસ્સાકાતરૂની અને જેલમાંથી પેરોલ જમ્પ ફરાર આરોપીની કડીયાવાડમાંથી અટક કરી હતી. ભવનાથમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે. પટેલની ટીમે મેળામાં શંકાસ્પદ શખ્સોનું ચેકીંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન ભવનાથમાં શનિદેવના મંદિર પાસેથી અમદાવાદના ચાંગોદરાના સંતની કારમાંથી થયેલ રોકડની ચોરીના શખ્સો મળી આવ્યા હતા. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાકીપદા ગામનો તેનલૂર કરમ્પયા નાયડુ, વિક્રમ તેનલૂર, જીવા કરમ્પયા અને રોહીત જગદીશ નાયડુ હોવાનું ખુલ્યુ હતુ. આ ચાર શખ્સની ગેંગે કારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ગેંગ પાસેથી 6,370ની રોકડ અને મોબાઈલ ફોન સહિત 12,800નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ બસસ્ટેન્ડમાં ઉમટવાડાના ગીરીશભાઇ ભૂતનુ રૂપિયા 6,500નું પાકીટ ચોરનાર મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લા કંડાળીયા ગામનો ખીસ્સા કાતરૂ રેતકુમાર સુનિતલાલ પવારની અટક કરી હતી.
ઉપરાંત તો એલસીબીની ટીમે રાજકોટ જેલમાંથી જામીન પર છુટી ફરાર થયેલ રાજકોટના ચુનારાવાડ ચોકનો સંજય ગુલાબ સોલંકીને શહેરના કડીયાવાડમાંથી દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલી દીધો હતો.અમદાવાદના ચાંગોદર ખાતેનાં રામ મઢી આશ્રમમાં સેવા કામ કરતા 42 વર્ષે સહજાનંદ ગીરી ગુરુ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ શનિવારે જીજે 23 ડીએસ 7899 નંબરની કારમાં અનાજ કરિયાણું લઈ ભવનાથમાં પાટવડ કોઠા પાસે આવેલ રવેચીધામ અન્નક્ષેત્ર ખાતે આવ્યા હતા. રવિવારે સવારે ગુરુભાઈ હરિહરાનંદગીરીના ઉતારે જવા માટે ભવનાથ પોલીસ સ્ટેશન સામે શનિદેવ મંદિર પાસે રાખેલી કાર ચેક કરતા કારમાં રૂપિયા 7000ની રોકડ ન હોવાનું માલુમ પડયું હતું. આથી ભવનાથ પોલીસનો સંપર્ક કરતા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરામાં 4 શખ્સ આવ્યા હોવાનું અને 1 શખ્સે કારમાંથી રૂપિયા 7000ની ચોરી કર્યાનું જણાયું હતું.
Reporter: admin