વૈશાખ મહિનાના અજવાળીયા એટલે કે શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષય તૃતીયા.લોકબોલીમાં અપભ્રંશ થઈને એ અખાત્રીજ ના નામે ઓળખાય છે.
આજ શુક્રવાર તા.૬ મે ના રોજ ભગવાન પરશુરામજી ના પ્રાગટ્ય દિવસ સાથે અખા ત્રીજની પરંપરાગત અને ધાર્મિક શ્રદ્ધાભરી ઉજવણી હિન્દુ પરિવારો એ કરી.
આ ત્રીજને અખા ત્રીજ કેમ કહેવામાં આવે છે?
વડોદરાની સમષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટીગ્રેટિવ લર્નિંગ સંસ્થાના કબીર જીવનના અનુયાયી શ્રી ભાર્ગવ પારેખ જણાવે છે કે આ એક સ્વયં સિદ્ધ મુહૂર્ત છે.એટલે કે અખા ત્રીજ આખેઆખી સારા કામો,શુભ પ્રસંગો શરૂ કરવાના ઉત્તમ મુહૂર્ત જેવી છે.
એવી શ્રધ્ધા છે કે અક્ષય તૃતીયાના દિવસથી શરૂ કરવામાં આવેલા અથવા આ દિવસે કરેલા શુભ કામો નિરંતર એટલે કે અક્ષય શુભ ફળ આપે છે.એનો ક્યારેય ક્ષય થતો નથી.
સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે અખા ત્રીજથી સતયુગ અને ત્રેતા યુગ શરૂ થયો હતો અને આ તિથિએ જ દ્વાપર યુગનું સમાપન થયું.
સ્વર્ગથી ઉતરીને ભગવાન શંકરની જટામાં અટવાયેલા માતા ગંગાને દૈવ કૃપાએ અખાત્રીજે રસ્તો મળ્યો અને તેઓ ધરતી પર વહેતા એટલે કે પ્રવાહિત થયાં.એટલે કહી શકાય કે માં ગંગા દ્વારા ભારત વર્ષના સુજલામ સુફલામ્ કલ્યાણનો પ્રારંભ આ દિવસથી થયો.
એવી પણ માન્યતા છે કે આ દિવસે જ પ્રાચીન કાળમાં વિશ્વયુદ્ધ ગણાય એવા મહાભારત ના યુદ્ધનું સમાપન થયું અને આ દિવસ થી જ મહર્ષિ વેદવ્યાસે મહાભારત નું લેખન શરૂ કર્યું.
જૈન ધર્મમાં પણ અખા ત્રીજનો ભારે મહિમા છે.આ એ દિવસ છે જે દિવસે જૈન ધર્મના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન ( શ્રી રિષભદેવજી ) એ એક વર્ષની આકરી તપ સાધના પૂરી કરી અને હસ્તિનાપુરના રાજકુમાર શ્રેયાન્સ કુમારે સાત્વિક અને શુદ્ધ આહાર ગણાતા શેરડીના રસથી એમને પારણા કરાવ્યા.શેરડીનું સંસ્કૃત નામ ઇક્ષુ છે.એટલે આ તિથિ પહેલા ઈક્ષુ તૃતીયા તરીકે ઓળખાઈ અને પછી અક્ષય તૃતીયા તરીકે પ્રતિષ્ઠા પામી.
આજ થી ૭૭ વર્ષ પહેલાં આ દિવસે વડોદરામાં સમ્યક સમાજ ઘડતર અને માનવ કલ્યાણની એક અભિનવ સંસ્થા સદગુરુ કબીર જ્ઞાન આશ્રમની સ્થાપનાના ઉમદા હેતુઓને વણી લેતા ગ્રંથના લેખનનો સદગુરુ શ્રી બાલકૃષ્ણ દાસજી સાહેબે પ્રારંભ કર્યો હતો.
આજના આ પવિત્ર દિવસ થી વર્તમાન પેઢીની રચનાત્મક સંભાળ માટેની સંસ્થા 'કબીર ફોર યુથ ' દ્વારા વિડિયો ફેસબુક,ઈન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પ્રસારણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.કબીર સાહેબના શિક્ષણ દ્વારા સમાજ ઘડતરની દિશાનું આ કદમ છે.
Reporter: News Plus